ઈકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર થોળ તળાવ જળ સુરક્ષા માટે ઉત્તમ નમૂનો
અમદાવાદમાં આવતા મહિને જી૨૦ ના અંતર્ગત અર્બન ૨૦ (યુ ૨૦) નું આયોજન થવાનું છે. આ સમિટમાં જળ સુરક્ષા સહિત છ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં જળ સુરક્ષાની વાત કરીએ તો થોળ તળાવ જળ સંચયનું ઉત્તમ ઉદાહરણ છે. જે આઝાદી પહેલા ૧૯૧૨માં જમીનનું ધોવાણ, પૂરને રોકવા અને સિંચાઈ હેતુ માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે બનાવવામાં આવ્યુ હતુ. આ એક વિકસિત સિંચાઈ પ્રણાલી દર્શાવે છે. આ તળાવનું બાંધકામ એ રીતે કરાવામાં આવેલુ છે કે, ફીડર કેનાલ માનવસર્જિત વેટલેન્ડ સુધી પહોંચે તે પહેલાં, ત્યાં એક ડાયવર્ઝન બનાવાયુ છે, જેને વેસ્ટ વીયર પણ કહેવાય છે અને તે જળાશયમાં પાણીના જથ્થાને નિયંત્રિત કરવા માટે કાર્ય કરે છે. જો પાણીનું સ્તર ૯ ફૂટથી ઉપર પહોંચે છે, તો પાણીને વેસ્ટ વીયર તરફ વાળવામાં આવે છે. પાણીનું મહત્તવ સમજીને આ બાંધકામ આજના બાંધકામને આદર્શ પૂરુ પાડતુ ઉદાહરણ છે. આજે તેની આસપાસ સાત નાના-મોટા ઔદ્યોગિક ક્ષેત્ર આવેલા છે. જો કે આ સેન્ચુરીની અંદર કોઈ ગામ કે બાંધકામ કરાયુ નથી. આ તળાવને પ્રદૂષણથી બચાવવા માટે ૧૯૮૬માં તેને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સેન્ચુરી પર પ્રતિબંધિત પ્રવૃત્તિઓનું પાલન કરવામાં આવે છે. આ સમિટમાં ઈન્ટેશન ટુ એક્શનની પર ચર્ચા થવાની છે. તો જળ સુરક્ષાના મુદ્દે થોળ તળાવ યુ ૨૦ના સદસ્યો માટે ચર્ચાનું ઉત્તમ ઉદાહરણ રહેશે.
થોળ લેક વિશે મહત્ત્વની જાણકારી
– થોળ વૉટરબોડી કુલ ૬.૯૯ ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલી છે. પણ થોળ વેટલેન્ડ (જળપ્લાવિત) કેચમેન્ટ એરિયા ૫૫.૯૫ ચો.કિમીમાં ફેલાયેલો છે. જેમાં ૬ મોટા ગામ સામેલ છે. જ્યારે કુલ વૉટર કેચમેન્ટ વિસ્તાર ૩૨૦ ચો.કિમીમાં ફેલાયેલો છે.
– કેટલાક માઇગ્રેટરી પક્ષીઓએ થોળને કાયમી નિવાસસ્થાન પણ બનાવ્યું છે. જેમાં વ્હાઇટ આઇડી પોકાર્ડ, ઇમ્પિરિયલ ઇગલ, પેલિકન, ઓરિએન્ટલ ડાર્ટર, ફ્લેમિંગો તથા સારસનો સમાવેશ થાય છે.
– જળસૃષ્ટિના જતન માટે વિવિધ કેનાલ્સ દ્વારા જરૂરિયાત અનુસાર પાણી પૂરું પાડવામાં આવે છે. આ કેનાલનું નેટવર્ક ૧૯.૯૭ કિમી લાંબુ છે.