ગુજરાતમાં ગર્વના સમાચારઃ સિંહોની વસ્તી વધીને ૭૦૦ને પાર પહોંચી
અવારનવાર સિંહોના મોતના સમાચાર સામે આવતા રહે છે પરંતુ આ વચ્ચે ગુજરાતના જંગલોથી સારા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર રેકોર્ડ મુજબ ગુજરાતના જંગલોમાં સિંહોની સંખ્યા ૭૦૦ને પાર પહોંચી ગઈ છે. સિંહોની વસ્તીમાં ૬થી ૮ ટકાનો વધારો નોંધાયો છે. એક સમાચાર મુજબ વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પૂનમ અવલોકન (પૂનમના દિવસે સિંહોનું અવલોકન) અભિયાન દરમિયાન ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો જાેવા મળ્યો છે.
વધુમાં અધિકારીએ જમાવ્યું કે ગુજરાતમાં સિંહોની સત્તાવાર સંખ્યા ૭૧૦થી ૭૩૦ની વચ્ચે છે. ૨૦૨૦ની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા ૬૭૪ નોંધાઈ હતી. ૨૦૧૯ની સરખામણીએ આ સંખ્યામાં ૨૮.૯ ટકાનો વધારો નોંધાયો હતો. અગાઉ ૨૦૧૫માં પણ ગુજરાતમાં સિંહોની સંખ્યામાં ૨ ટકાનો વધારો થયો હતો. ગુજરાતમાં ૨૦૧૫માં કુલ ૫૨૩ સિંહ હતા જે હવે વધીને ૭૧૦ સુધી પહોંચી ગયા છે.
પાછલા દિવસોમાં ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ ગુજરાતમાં ૧ જાન્યુઆરી ૨૦૧૯થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ વચ્ચે વિવિધ કારણોસર ૩૧૩ સિંહના મોત થયાં. ૨૦૧૮માં ગિર અભ્યારણ્યમાં કૈનઈક ડિસ્ટેંપર જેવા ઘાતક વાયરસના લપેટામાં આવવાથી ૨૩ સિંહના મોત થયાં હતાં. વર્તમાન આંકડાઓ મુજબ વર્ષ ૨૦૧૯માં ૧૫૪ અને વર્ષ ૨૦૨૦માં ૧૫૯ સિંહના મોત થયાં છે. જેમાં ૭૧ સિંહ, ૯૦ સિંહણ અને ૧૫૨ બચ્ચાં સામેલ છે.