ધોરાજીમાં લોકોના ઘરોમાં દુર્ગંધ અને ફીણવાળા પાણી આવતા લોકોમાં રોષ
રાજકોટઃ રાજકોટના ધોરાજીના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ધોરાજીના લાલા લાજપતરાય વિસ્તાર અને સુધરાઈ કોલોનીમાં ગંદુ પાણી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોકોના ઘરોમાં દુર્ગંધ અને ફીણવાળા પાણીનું વિતરણ કરાયું હોવાની સામે આવી રહ્યું છે.
નગરપાલિકા દ્વારા દૂષિત પાણીનું વિતરણ કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. જેના પગલે “દૂષિત પાણીથી ચામડીના રોગ અને પેટમાં દુખાવાની સમસ્યા” સામે આવી રહી છે. તો બીજી તરફ આ અગાઉ ધોરાજી શહેરના વોર્ડ નંબર ૬માં પાલિકા તંત્ર અત્યંત દુષિત પાણીનું વિતરણ કરતી હોવાનું સામે આવ્યુ હતુ. છેલ્લા ૬ મહિનાથી પાલિકા દ્વારા આવું દુષિત પાણી જ લોકોને અપાઇ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ આ પાણી એટલું ગંદુ છે કે તે પીવા માટે તો ઠીક, વાપરવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય તેમ નથી. જેના કારણે મહિલાઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.