ફરી એકવાર ઉત્તરાખંડમાં તબાહી જોવા મળી : અનેક યાત્રાળુઓ ફસાયા
બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગથી પણ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ભારે વરસાદ બાદ લામબગડ નાળામાં ફસાયેલી એક કારમાં સવાર લોકોને બીઆરઓએ બચાવ્યુ. ખરાબ મોસમને જોતા ચારધામ યાત્રા રોકી દેવાઈ છે. પહાડ ક્રેક થવાના કારણે બદ્રીનાથ માર્ગ છ જગ્યા પર પ્રતિબંધ છે. નૈનીતાલમાં ૨૪ કલાકમાં ૧૫૦ મિલીમીટરથી વધારે વરસાદ થયો છે.
ભારે વરસાદના કારણે તમામ ૬૨ નાળા તોફાને ચડ્યા છે. નૈનીતાલ નજીક વીરભટી મોટર પુલ નજીક કેટલીક કાર અને ટ્રક કાટમાળમાં દફન થઈ ગયા. રાજ્યમાં કુદરતના કહેરને જોતા ધામી સરકાર એલર્ટ છે. દેહરાદૂનમાં સીએમ પુષ્કર સિંહ ધામી પોતે જ મોર્ચો સંભાળતા ગઈ રાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચી ગયા. અધિકારીઓની સાથે વાત કરી. રાહત અને બચાવ એસડીઆરએફની ૨૯ ટીમોને પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં મોકલવામાં આવ્યા છે.ચોમાસા બાદ સતત વરસી રહેલા વરસાદે કેટલાક રાજ્યોના જનજીવનને ખોરવી દીધુ છે. આની સૌથી વધારે અસર દક્ષિણના કેરળ અને ઉત્તરાખંડમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ માટે આજે રેડ એલર્ટ જારી કર્યુ છે.
રાજ્ય માટે આગામી ૨૪ કલાક ઘણા મહત્વપૂર્ણ છે. ઉત્તરાખંડમાં વરસાદથી આવેલી તબાહીમાં અત્યાર સુધી ૫ લોકોના મોત થઈ ચૂક્યા છે. ચમોલી ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે નંદાકિની નદીમાં પૂર આવી ગયુ છે. નદીના જળ સ્તરમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. ગંગાના તોફાનથી ઋષિકેશમાં તમામ ઘાટ જળમગ્ન થયા છે. કેદારનાથથી પાછા ફરતા સમયે ભારે વરસાદના કારણે સોમવારે જંગ ચટ્ટીમાં ફસાયેલા લગભગ ૨૨ લોકોને SDRF અને પોલીસે રેસ્ક્યુ કરી દીધુ છે. આ તમામ લોકોને ગૌરીકુંડ શિફ્ટ કરી દેવાયા છે. જેમાંથી ૫૫ વર્ષના એક શ્રદ્ધાળુ જેમને ચાલવામાં મુશ્કેલી હતી, સ્ટ્રેચર દ્વારા શિફ્ટ કરવામાં આવ્યુ.