રાહતના સમાચાર, ૧૦-૧૫ દિવસમાં થંભી જશે કોરોનાની રોકેટ ગતિ
કોરોનાના સુનામી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યભર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત વધી રહેલા કેસો પર આગામી ૧૦-૧૫ દિવસમાં લગામ લાગે તેવી તજજ્ઞોએ શક્યતા વ્યક્ત કરી છે. જાે આવુ થશે તો ગુજરાતના માથા પરથી મોટું સંકટ ટળી જશે.
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સહિત રાજ્યભરમાં વધી રહેલા કેસો વિશે અમદાવાદ સિવિલ હોસ્પિટલ એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે કહ્યું કે, અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલા ૧૨૦૦ બેડ હોસ્પિટલના ટ્રાયઝ એરિયામાં આવતા દર્દીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસમાં સામાન્ય ઘટાડો જાેવા મળ્યો છે. ગઈકાલે ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં ૧૮૦ દર્દીઓ ટ્રાયઝમાં આવ્યા હતા. ૧૭ એપ્રિલે ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલના ટ્રાયઝ એરિયામાં સૌથી વધુ ૩૯૯ દર્દીઓ આવ્યા હતા, ૧૭ એપ્રિલ બાદ સતત ટ્રાયઝ એરિયામાં આવતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
તેમણે કહ્યું કે, આ સિવાય સમગ્ર રાજ્યના પણ કોરોનાની સુનામી જે ગતિએ વધી રહી હતી તેની ગતિ પણ સામાન્ય થંભી હોય તેવા અણસાર મળી રહ્યા છે. રાજ્યમાં ગઈકાલે એટલે ૨૬ એપ્રિલે ૧૪,૩૪૦ કેસો નોંધાયા હતા, જ્યારે ૨૫ એપ્રિલે ૧૪,૨૯૬ કેસ, ૨૪ એપ્રિલે ૧૪,૦૯૭ કેસ, ૨૩ એપ્રિલે ૧૩,૮૦૩ કેસ, ૨૨ એપ્રિલે ૧૩,૧૦૫ કેસ
નોંધાયા હતા.
બીજી તરફ દેશભરમાં પણ વધી રહેલા કેસોની ગતિ પણ ધીમી પડી રહી છે. દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩,૨૩,૧૪૪ કેસો નોંધાયા છે, જ્યારે ૨૫ એપ્રિલે ૩,૫૩,૯૯૧ કેસો નોંધાયા હતા, તો ૨૪ એપ્રિલે ૩,૪૯,૬૯૧ કેસ, ૨૩ એપ્રિલે ૩,૪૬,૭૮૬ કેસો, ૨૨ એપ્રિલે ૩,૩૨,૭૨૦ કેસો સામે આવ્યા છે.
સામે આવતા આ આંકડાઓ પરથી સ્વયંભૂ લોકડાઉન અને લોકોની સમજદારી રંગ લાવી છે તેવુ કહી શકાય. વેપારીઓ, દુકાનદારો તેમજ અન્ય લોકોએ બતાવેલી સમજદારી, માસ્કનો ઉપયોગ વધાર્યો છે. જેના પરિણામ સ્વરૂપ આગામી ૧૦ દિવસમાં કોરોનાથી રાહત થાય તેવા સંકેત મળી રહ્યાં છે. જાેકે, તજજ્ઞોનું સ્પષ્ટ કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી લોકો દ્વારા બતાવવામાં આવી રહેલી સમજદારી લોકો જાળવી રાખે તો જ આ જંગ જીતી શકીશું, જેના માટે આગામી ૧૦ દિવસ મહત્વના સાબિત થશે.
ડો. રજનીશ પટેલે આ વિશે કહ્યું કે, અમદાવાદ સિવિલ કેમ્પસની બહાર જાેવા મળતી ૧૦૮ એમ્બ્યુલન્સની લાઈનોમાં પણ સામાન્ય ઘટાડો ગત દિવસોની તુલનામાં જાેવા મળી રહ્યો છે. ૨૦ એપ્રિલની આસપાસ અમદાવાદ કોરોનાના પીક પર હોવાનું પણ અનુમાન છે. આ સિવાય અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આવનાર તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. ૧૨૦૦ બેડ હોસ્પિટલ બહાર રોજ સવારે મધ્યપ્રદેશથી એક બસ આવે છે, જેમાં આવનાર તમામને અમે સારવાર પુરી પાડીએ છીએ. કોઈપણ વ્યક્તિનું આધારકાર્ડ જાેઈ સારવાર આપવાનો કોઈ ધારાધોરણ અહીં નથી, તમામ દર્દીઓને સારવાર ૨૪ કલાક પુરી પાડવામાં આવી રહી છે. સતત અમારા કર્મચારીઓ દિવસ રાત દર્દીઓની સારવારમાં લાગેલા છે ત્યારે હવે ૧૮૦ જેટલા ઇજીજી ના સ્વયંસેવકો દ્વારા અમને કેટલીક નોન મેડિકલ કામકાજમાં મદદ સાંપડી રહી છે, જે અમારા માટે ખૂબ જરૂરી હતી.