વડોદરાના વઢવાણામાં ૯૫ હજારથી વધુ પક્ષીઓ શિયાળામાં આવ્યા

વઢવાણા એ સદી કરતાં પણ વધુ જૂનું, સયાજીરાવ મહારાજે એમની રૈયત માટે પાણી અને સિંચાઇની વ્યવસ્થા કરવા,ચોમાસામાં નિરર્થક વહી જતાં ઓરસંગના પાણીને જોજવા પાસેના આડબંધ થી રોકીને નહેર દ્વારા વઢવાણામાં વાળવાના કરેલા આયોજન ના પરિણામે ઉદભવેલું જળ તીર્થ છે.હવે તેને નર્મદા જળ પણ સિંચાઇની જરૂર મુજબ મળે છે. આ જળાશય દ્વારા અહીં જે વેટલેન્ડ બન્યો તેના લીધે આ જગ્યા આડકતરા આશીર્વાદની જેમ પંખી તીર્થ બની છે.આ કુદરતના આભૂષણ અને સયાજી મહારાજના આશિર્વાદ જેવા વેટલેન્ડ માટે ગુજરાત અને વડોદરા ગૌરવ લઈ શકે છે.મહીસાગરના આરે ઢોલ ધબુકવાનો આનંદ એક લોકગીત જેવી રચનામાં વ્યક્ત થયો છે.તો વડોદરાનો જણ મારા વઢવાણા ને આરે પંખીઓ આવે છે… ભાત ભાત ના પંખીઓ આવે છે…દેશ દેશાવર ના પંખીઓ આવે છે એવો હરખ કરે તો કોઈ હરકત સરખું ના ગણાય. આ વર્ષે વઢવાણામાં પાણીની સપાટી ઊંચી છે. તેમ છતાં, છેલ્લા ત્રણ વર્ષ પૈકી આ વર્ષે સૌથી વધુ સંખ્યામાં પક્ષીઓ અહીં આવ્યા એ ઘણાં આનંદની વાત છે.

મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઓલજી અને વઢવાણા આર.એફ.ઓ. આર.એન. પુવારે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦માં આ વેટલેન્ડ ખાતે ૮૩૦૦૦, ૨૦૨૧માં ઘટીને ૬૪૦૦૦ અને આ વર્ષે ૨૦૨૨માં ૩૧૦૦૦ જેટલી સંખ્યા વધીને ૯૫૦૦૦થી વધુ પક્ષીઓ આ તળાવના, અમારા અને ગુજરાતના મહેમાન બન્યા એ હકીકત ખૂબ પ્રોત્સાહક છે.વધુ સચોટ અને વિશ્વસનિય ડેટા કલેક્શન માટે મોસમની શરૂઆત એટલે કે શિયાળાના પ્રારંભે, મધ્ય અને અંત ભાગે, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ત્રણ વાર પંખાળા મહેમાનોને આખા જળાશય વિસ્તારને વિવિધ સેક્ટરમાં વહેંચીને ગણવામાં આવ્યા જેનાથી શક્ય તેટલો સચોટ પંખી સંખ્યાનો અંદાજ મેળવવામાં આવ્યો. ગણતરીકારોની વિવિધ ટીમોએ નિરીક્ષણના જમા કરાવેલા પત્રકોની વિશદ છણાવટ સહિતની પ્રક્રિયાઓને અંતે આ વર્ષની પંખી ઋતુમાં વઢવાણાના કાંઠે અંદાજે ૯૫ હજારથી વધુ(૯૫૪૬૧) પક્ષીઓ અહીંનો હૂંફાળો શિયાળો માણવા આવ્યા હોવાનું તારણ નીકળ્યું છે. અંદાજે ૧૬૩ જેટલી પ્રજાતિઓના પક્ષીઓ વર્તમાન શિયાળુ મોસમમાં અહીં આવ્યા હતા. દૂર દૂરના અને જ્યાં શિયાળો અતિશય ઠંડો અને આકરો હોય છે તેવા મધ્ય એશિયા તેમજ મોંગોલિયા, સાઇબેરીયા જેવા પ્રદેશોમાં થી હજારો કિલોમીટરની ઉડાન ભરીને પક્ષીઓ,તેમને માટે હૂંફાળો ગણાય તેવા આપણા શિયાળામાં અહીં આવે છે.

નિરીક્ષણ દરમિયાન ગણતરીકારો એ જે ૧૬૩ જેટલી પ્રજાતિઓના પક્ષીઓની હાજરી નોંધી છે તેમાં મુખ્ય પક્ષી કે વઢવાણાના રાજદૂત ગણાતા ગાજહંસ ઉપરાંત રાજહંસ, ભગવી સુરખાબ, સિંગપર, નાની મૂર્ઘાબી, લાલ ચાંચ કારચિયા, રાખોડી કારચિયા, ધોળી આંખ કારચીયા, પિથાસણ,ચેતવા, ગયનો, લુહાર, કાબરી કારચિયા, નાનો હંજ, કાળી ચાંચ ઢોનક, મત્સ્યભોજ, પાન પટ્ટાઈ અને ભગતડું સહિતના પક્ષીઓનો સમાવેશ થાય છે.રામસર સાઈટનો દરજ્જાે મળવાથી જેનું નામ આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ( જળપ્લાવિત વિસ્તાર) અને પક્ષી તીર્થની યાદીમાં સામેલ થયું છે એવા વડોદરા જિલ્લાના ઐતિહાસિક ડભોઇથી અંદાજે ૧૫ કિમીના અંતરે આવેલા સયાજી સર્જિત વઢવાણા જળાશય ખાતે શિયાળા ના અંત સાથે અંદાજે ત્રણ મહિનાનો પક્ષીઓનો મહા કુંભ એટલે કે પંખી મેળો પુરો થવા આવ્યો છે અને સંત સ્વરૂપ પક્ષીઓ પોતાના વતનના માર્ગે વિદાય થઈ રહ્યાં છે.રાજ્યના વન વિભાગે આ સ્થળનો ઇકો ટુરિઝમ સેન્ટર તરીકે વિકાસ કર્યો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news