દેશમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી
નવીદિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દેશમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. જેથી વાયુ પ્રદુષણ ઘટાડી શકાય. નીતિન ગડકરીએ ડીઝલ એન્જિન પર ૧૦ ટકા વધારાનો જીએસટી લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
નીતિન ગડકરીએ SIAM (સોસાયટી ઑફ ઈન્ડિયન ઑટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ)ના એક કાર્યક્રમમાં આ વાત કહી. બાદમાં, ‘X’ પર આ પોસ્ટ કરતી વખતે, તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર હાલમાં આવા કોઈ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી. નીતિન ગડકરીનું કહેવું છે કે, ઓટો ઈન્ડસ્ટ્રીએ આ મામલે પોતાની રીતે પગલાં લેવા જોઈએ. ડીઝલ વાહનોને ‘બાય-બાય’ કહેવું જોઈએ. અન્યથા સરકાર તેમના પર ટેક્સ એટલો વધારી દેશે કે કંપનીઓ માટે તેમને વેચવું મુશ્કેલ બની જશે.
૨૦૧૪થી દેશમાં ડીઝલ કારની સંખ્યામાં ઘટાડો થયો છે. ૯ વર્ષ પહેલા આ કુલ કારના ૩૩.૫ ટકા હતા જે હવે ઘટીને ૨૮ ટકા થઈ ગયા છે. ગડકરીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે સરકારના આ પગલાનો હેતુ ઓટોમોબાઈલ ઉદ્યોગને ઝડપથી ડીઝલથી દૂર સ્વચ્છ અને શુદ્ધ ઈંધણ વિકલ્પો તરફ લઈ જવાનો છે. બાદમાં નિતિન ગડકરીએ એક્સ પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, સરકારે ‘કાર્બન નેટ ઝીરો’નું લક્ષ્ય નક્કી કર્યું છે. સાથે જ વાયુ પ્રદૂષણના સ્તરને ઘટાડવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે, કારણ કે ડીઝલ જેવા ખતરનાક ઇંધણ પર્યાવરણને મોટી માત્રામાં નુકસાન પહોંચાડે છે. તેમણે કહ્યું કે, સરકારનો ઉદ્દેશ્ય પર્યાવરણને અનુકૂળ ઈંધણના વધુ વિકલ્પો અપનાવવા પર ભાર આપવાનો છે.