ખેડાનાં વરસોલા પાસે એક પેપર મીલમાં ભીષણ આગની ઘટના
ખેડા: રાજ્યમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બનવા પામી હતી, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા નજીક એક પેપર ફેક્ટરીમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે. અહીં પર પેપર બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી. ભીષણ આગથી ફેક્ટરીમાં મોટાપાયે નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાને લઈને ફાયર વિભાગની બે ટીમોએ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટના બની છે.
ખેડા જીલ્લાનાં વરસોલા પાસે આવેલ શ્રી નારાયણ પેપરમીલનાં ખુલ્લા કંપાઉન્ડમાં પડેલ પેપરનાં રો મટીરીલસમાં અગમ્ય કારણોસર આગ લાગતા આજુબાજુનાં લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. આગ લાગી હોવાની જાણ નડિયાદ ફાયર બ્રિગ્રેડને કરવામાં આવતા નડિયાદ ફાયર બ્રિગ્રેડ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું આગ એટલી ભીષણ હતી કે જોત જોતામાં સમગ્ર કંપાઉન્ડમાં પડેલ કાગળનાં રો મટીરીયલમાં પ્રસરી જતા વિકરાળ આગ સર્જાવા પામી હતી.
પેપર મીલમાં લાગેલ આગ કાબુમાં ન આવતા નડિયાદ ફાયર બ્રિગ્રેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ નડિયાદ ફાયર બ્રિગ્રેડનાં ત્રણ વોટર બ્રાઉઝર, આણંદ, ખેડા, મહેમદાવાદ તેમજ અસલાલીથી પર ફાયર ફાઈટરની ટીમો રવાનાં થઈ હતી. આગ લાગવાનાં કારણે પેપરનાં રો મટીરીયલ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું. જેથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્્યતાઓ છે. અંતે કલાકો ની ભારે મહેનત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો.
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પરની પેપર મિલમાં લાગેલી આગ અઢાર કલાક બાદ કાબૂમાં આવી
આગની એક અન્ય ઘટના સુરેન્દ્રનગરમાં બનાવી પામી હતી. સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પરની પેપર મિલમાં લાગેલી આગ અઢાર કલાક બાદ કાબૂમાં આવી હતી. સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ ઉપર આવેલ એક પેપર મિલમાં બપોરના સમયે લાગેલ આગ એટલી બધી વિકરાળ હતી કે, મિલમાં મોટા પ્રમાણમાં પેપરના રોલ, પુઠા સહિતનું મટીરીયલ્સ હોવાથી ગણતરીની મિનિટોમાં જ આગે ભયંકર રૌદ્ર સ્વરૂપ લઈ લીધું હતું, ત્યારે ફાયર વિભાગે પણ આ ઘટના ને મેજર કોલ જાહેર કર્યો હતો.
જો કે આગની ઘટનામાં પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યુ છે. બપોરના સમયથી પેપર મિલમાં આગ પર કાબૂ મેળવવા માટે રાજકોટ, સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો જોરદાર મારો ચલાવવામાં આવ્યો હતો, આ ઉપરાંત સેનાના જવાનો પણ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. જેને પગલે હાલ આગ કાબૂમાં લઇ લેવામાં આવી હતી ત્યારે જઈને આશરે ૧૮ કલાક બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.