ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગનું તાંડવઃ મહિલાઓ સહિત 18 શ્રમિકોના મોત
- બનાસકાંઠાના ડીસામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ
- પ્રચંડ બ્લાસ્ટથી ગોડાઉનનું ધાબુ જમીનદોસ્ત
- મહિલાઓ સહિત 18 શ્રમિકોના મોતની માહિતી
- દીપક ટ્રેડર્સ નામની ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ
બનાસકાંઠાઃ ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતનો વધુ એક ગોઝારી ઘટના બનવા પામી છે. બનાસકાંઠાના ડીસામાં આવેલી એક ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. આ દુર્ઘટનામાં મહિલાઓ સહિત 18 જેટલા શ્રમિકોના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
ફટાકડા બનાવતી વખતે દારૂગાળામાં ભયાનક વિસ્ફોટ થયા બાદ આગ લાગી હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ગોડાઉનની છત ધરાશાયી થવા પામી હતી, જેને લઇને કેટલાંક શ્રમિકો કાટમાળ નીચે દટાયા હોવાની પણ જાણકારી મળી રહી છે. બ્લાસ્ટ બાદ 200 મીટર સુધી કાટમાળ ફેલાયેલો જોવા મળ્યો હતો.
આ ગોઝારી ઘટનાનો ભોગ બનેલા તમામ મજૂરો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓ બે દિવસ પહેલા જ અહીં મજૂરી માટે આવ્યા હતા અને ફટાકડા બનાવવાના કામ કરતા હોવાનુ જાણવા મળી રહ્યું છે.
આ ફટાકડાની ફેક્ટરીમાં કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટીની વ્યવસ્થા ન હતી. જેને લઇને ફરીથી ગુજરાત રાજ્યમાં મજૂરો માટેની ઔદ્યોગિક સલામતીને લઇને સવાલો પેદા થયા છે. ઔદ્યોગિક સલામતીના અભાવના કારણે આ ગોઝારી ઘટનામાં 4 મહિલા સહિત 18 શ્રમિકો મોતને ભેટ્યા છે.
વિગત પ્રમાણે બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડા બનાવતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલેન્સ અને નગરપાલિકાની ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુમાં જોડાઇ હોવાની માહિતી પણ પ્રાપ્ત થઇ રહી છે.
દીપક ટ્રેડર્સના નામની આ ફટકડાની ફેક્ટરી ખબૂચંદ સિંધી નામક વ્યક્તિની હોવાની જાણકારી મળી રહી છે. સ્ટોરેજ માટે લેવાયેલી મંજૂરી બાદ અહીં ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે શરૂ કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે.
અહીં મંજૂરી વગર ફટાકડાની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. 31 ડિસેમ્બર, 2024ના રોજ સ્ટોરેજનું લાયસંન્સ પણ એક્સપાયર થઈ ગયું હતુ. ગત 15મીએ પોલીસે આ સ્થળની મુલાકાત લેતા ગોડાઉન ખાલી જોવા મળ્યું હતુ. પોલીસના નકારાત્મક અભિપ્રાય બાદ લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યું ન હોવાનું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.