હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી મંડી-કુલી નેશનલ હાઈવે બંધ
હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ અને વાદળ ફાટવાના કારણે બાગી અને મંડી સહિત અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરને ધ્યાનમાં રાખીને મંડી-કુલી નેશનલ હાઈવે હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે મંડીમાંથી પસાર થતી બિયાસ નદીના જળસ્તરમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ અને પૂરના કારણે મોટાપાયે નુકસાન થયું છે. મંડી જિલ્લાના જંજેલીમાં અચાનક આવેલા પૂરના કારણે અનેક વાહનો તણાઈ ગયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં મંડી જિલ્લામાં ૬૪.૪ મીમી વરસાદ નોંધાયો છે. બાગી અને મંડી ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યની રાજધાની શિમલામાં પણ ભારે વરસાદ અને વાદળ ફાટવાના સમાચાર સામે આવ્યા છે.
ભારે વરસાદ અને પૂરના કારણે નેશનલ હાઈવે સિવાય મંડી-જોગિન્દર નગર હાઈવે જેવા અન્ય વૈકલ્પિક માર્ગો પણ બ્લોક થઈ ગયા છે. મંડી જિલ્લા અધિકારીઓ તરફથી રવિવારે જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની સંભાવનાને ધ્યાનમાં રાખીને પહાડને અડીને આવેલા રસ્તાઓ પર મુસાફરી ન કરવાની સલાહ પ્રવાસીઓને આપવામાં આવી છે. જો વરસાદ અટકશે તો આજે એટલે કે સોમવારે હાઈવે ફરી ખોલવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું છે. હાઈવેની બંને તરફ ફસાયેલા પ્રવાસીઓને પરત લાવવા અને નજીકના શહેરોમાં રોકાવાની જરૂરી વ્યવસ્થા કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. ભારે વરસાદને જોતા વહીવટી તંત્ર પણ સંપૂર્ણ એલર્ટ પર છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ માટે આગામી ૫ દિવસ એલર્ટ જાહેર કરતા મેદાનો, નીચાણવાળા વિસ્તારો સિવાય અલગ અલગ જગ્યાઓ પર ભારે વરસાદ, તોફાન અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરી છે.