ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું એ જ મારી પ્રતિજ્ઞા : વડાપ્રધાન મોદી
નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે ૯ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આ ખાસ અવસર પર વડાપ્રધાને ટિ્વટ કરીને તેમના કાર્યકાળને શાનદાર રીતે યાદ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે ‘આજે હું નમ્રતા અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયો છું’ વડાપ્રધાને કહ્યું કે છેલ્લા ૯ વર્ષો દરમિયાન લેવાયેલ દરેક ર્નિણય, દરેક પગલું લોકોનું જીવન સુધારવાનું છે. તેમણે આ ખાસ પ્રસંગે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કામ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. કેન્દ્રમાં મોદી સરકારના ૯ વર્ષ પૂર્ણ થવા પર ભાજપ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આજથી પાર્ટીના નેતાઓ અને મંત્રીઓ દેશભરમાં ખાસ જનસંપર્ક અભિયાન શરૂ કરશે. આ અભિયાન ૩૦ મે થી ૩૦ જૂન સુધી ચાલશે. દેશભરના નેતાઓ અને મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ પણ થશે અને સરકારના કામો વિશે જનતાને જણાવવામાં આવશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કેન્દ્રીય મંત્રીઓ મીડિયાને સંબોધશે. કેન્દ્રમાં સત્તામાં ૯ વર્ષ પૂર્ણ કરવાના વિશેષ અવસર પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો, નાયબ મુખ્યપ્રધાનો અને પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ પોતે ટિ્વટ કરીને આ બેઠકની જાણકારી આપી હતી. નરેન્દ્ર મોદીએ ૩૦ મેના રોજ તેમના શપથ ગ્રહણ સાથે વડાપ્રધાન તરીકે તેમના બીજા કાર્યકાળની શરૂઆત કરી હતી. લોકસભા ચૂંટણીના પરિણામો ૨૩ મેના રોજ આવ્યા હતા. બીજા કાર્યકાળની શરૂઆત સાથે, કેન્દ્રએ ટ્રિપલ તલાક નાબૂદ કરી.
જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ નાબૂદ કરવામાં આવી હતી અને એક સંપૂર્ણ રાજ્યને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું. બીજા કાર્યકાળ દરમિયાન જ સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ પર પોતાનો ચુકાદો આપ્યો અને રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો. વડાપ્રધાન મોદીએ પોતે રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ સિવાય બીજા કાર્યકાળમાં જ મોદી સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. દેશ માટે NRC બનાવવાની જાહેરાત કરી. જો જોવામાં આવે તો મોદી સરકારના બીજા કાર્યકાળમાં ઘણા વિવાદાસ્પદ મામલાઓનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.