મહારાણા પ્રતાપના વંશજ, મેવાડ રાજવંશના મહારાણા અરવિંદસિંહનું નિધન
ઉદયપુર: મેવાડ રાજવંશના સંરક્ષક, મહારાણા પ્રતાપના વંશજ અરવિંદસિંહ મેવાડનું રવિવારે વહેલી સવારે સિટી પેલેસમાં નિધન થયું છે. ૮૧ વર્ષીય અરવિંદસિંહ મેવાડ લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધન પર સમગ્ર મેવાડમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મહારાણા અરવિંદસિંહના નિધનના લીધે ઉદયપુર સિટી પેલેસ પ્રવાસીઓ માટે બે દિવસ બંધ રહેશે. તેઓ મહારાણા પ્રતાપના વંશજ દ્વારા દત્તક લીધેલા મહારાણા ભગવંતસિંહ મેવાડ અને સુશીલા કુમારીના નાના પુત્ર હતાં. તેમના મોટા ભાઈ મહેન્દ્રસિંહ મેવાડનું નિધન ગતવર્ષે ૧૦ નવેમ્બર, ૨૦૨૪ના રોજ થયુ હતું.
વસુંઘરા રાજેએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મહારાજ અરવિંદસિંહજી મેવાડના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. ઉદયપુર ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં તેમનું યોગદાન મહત્વનું રહ્યું છે. તેમના નિધન પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરતાં હું ઈશ્વરને પ્રાર્થના કરુ છું કે, આ દિવંગતની આત્મનાને શાંતિ આપજો.
અરવિંદસિંહ મેવાડને પોતાનું પ્રારંભિક શિક્ષણ ઘરે રહીને મેળવ્યું. આ પછી તેઓને અભ્યાસ માટે અજમેર મોકલવામાં આવ્યા. તેમણે અહીંની પ્રખ્યાત મેયો કોલેજમાં રહીને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ પછી, તેમણે ઉદયપુરની મહારાણા ભૂપાલ કોલેજમાંથી આર્ટ્સમાં સ્નાતક થયા. આ પછી તેઓ વિદેશમાં અભ્યાસ કરવા ગયા.
અરવિંદસિંહ મેવાડે યુકેની સેન્ટ આલ્બન્સ મેટ્રોપોલિટન કોલેજમાંથી હોટેલ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી હતી. તેઓ કોલેજ શિક્ષણ પછી સામાજિક કાર્યમાં ખૂબ સક્રિય હતા. તેમણે HRH ગ્રુપ ઓફ હોટેલ્સના ચેરમેન તરીકે પણ સેવા આપી હતી. આ ઉપરાંત તેઓ મહારાણા મેવાડ ફાઉન્ડેશન ટ્રસ્ટ, મહારાણા મેવાડ ઐતિહાસિક પ્રકાશ ટ્રસ્ટનો પણ ભાગ હતા. હોટેલ સંબંધિત વ્યવસાયો સાથે તેમના જોડાણનું સ્પષ્ટ કારણ હોટેલ મેનેજમેન્ટમાં તેમનું શિક્ષણ હતું.