સિંહદર્શન શરૂ, વન અધિકારીએ જીપ્સીને લીલી ઝંડી આપીને સિંહ દર્શનની શરૂઆત કરાવી
જુનાગઢઃ ગીરના જંગલમાં સિંહદર્શન માટે જવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. સિંહોના વેકેશન પછી ફરીવાર સિંહ દર્શન શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે પ્રવાસીઓમાં સિંહ દર્શન માટે અનોખો ઉત્સાહ જોવા મળ્યો. ચાર મહિના પછી ફરીવાર સિંહ દર્શન શરૂ થતાં ન માત્ર ગુજરાતના પણ દેશના ખુણે ખુણેથી પ્રવાસીઓ ઉમટ્યા. વન અધિકારીએ વિધિવત પ્રવાસીઓની જીપ્સીને લીલી ઝંડી આપીને સિંહ દર્શનની શરૂઆત કરાવી. જંગલમાંથી સિંહ દર્શન કરીને પરત ફરેલા પ્રવાસીઓએ તેમનો અનેરો અનુભવ જણાવ્યો.
આજથી જુનાગઢ જિલ્લાના સાસણ ગીર જંગલમાં સાવજનું વેકેશન પૂર્ણ થયું. જે અંતર્ગત હવે પ્રવાસીઓ ફરી સિંહ દર્શનની મજા માણી શકશે. આજે અહીં પ્રવાસીઓમાં સિંહ દર્શનને લઈને ભારે ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સુકતા જોવા મળી હતી. ચાર મહિના બાદ આજે ફરી સિંહ પ્રેમીઓ માટે સિંહ દર્શન શરૂ થયું હતું. ન માત્ર ગુજરાત પરંતુ દેશના ખૂણે ખૂણેથી અહીં સિંહ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. વન અધિકારી દ્વારા વિધિવત રીતે પ્રવાસીઓની જીપ્સીને લીલી ઝંડી અપાઈ હતી અને પ્રવાસીઓને સાસણગીર જંગલમાં સિંહ દર્શન અર્થે પ્રવેશ અપાયો હતો. મહત્વનું છે કે સાસણ ગીર જંગલમાં સિંહ દર્શનની સાથે સાથે પ્રવાસીઓને હરણ સહિતના અન્ય વન્ય જીવો અને પ્રકૃતિની મજા માણવાનો પણ લ્હાવો મળતો હોય છે.
આ તકે વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ સિંહ દર્શનને લઈને ડિસેમ્બર સુધી ઓનલાઇન માધ્યમથી તમામ બુકિંગ ફુલ થઈ ગયુ છે. ચોમાસામાં ભારે અને પૂરતા વરસાદના કારણે નદી-નાળા ઝરણાઓ છલકાઈ ઉઠ્યા છે, જેના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળશે. આ વર્ષે ગીરમાં સારો વરસાદ વરસ્યો છે, જેથી અંદર જનાર ટુરિસ્ટ્સને જંગલની અનુભૂતિ સરસ રીતે અનુભવાશે.
એશિયાઈ સિંહો માટે દુનિયાભરમાં વિખ્યાત એવું ગીરનું જંગલ ચાર મહિના માટે બંધ કરી દેવાય છે. ૧૫ જૂન થી લઈને ૧૬ ઓક્ટોબર સુધી વનરાજા માટે વેકેશન જાહેર કરાય છે. ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ ગીરનું જંગલ દર વર્ષે બંધ કરી દેવામાં આવે છે. કારણ કે જંગલના રાજા સિંહ અને બીજા ઘણા પ્રાણીઓ માટે સંવનન કાળ શરૂ થયો હોવાથી, તેમને કોઈ ખલેલ ના પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ગીરના દરવાજા બંધ કરી દેવાય છે.
તો બીજી તરફ, ચોમાસાની ઋતુમાં વન વિભાગની કામગીરી વધી જાય છે. કારણ કે, ઈન્ફાઇટના કારણે સિંહો અને અન્ય પ્રાણીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે વરસતા વરસાદમાં પણ તેઓને રેસ્ક્યુ કરી બચાવ કામગીરી થાય છે. ચોમાસાના ચાર મહિનામાં વરસાદને કારણે જંગલના રસ્તા બિસ્માર બની જાય છે. તેથી ભારે વરસાદમાં રસ્તાઓને રીપેર કરવા જેવા પડકારો આ ચાર મહિના દરમિયાન કરવા પડે છે. જેથી વેકેશન ખૂલે એટલે મુસાફરોને કોઈ તકલીફ ન થાય.