જાણો ઔદ્યોગિક ઉત્પાદનોને વૈશ્વિક માપદંડો સુધી લઇ જવા અપાતા ઝેડ સર્ટિફિકેટ સાથે ઉદ્યોગકારોને મળે છે કેવા લાભો

  • સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતના ૪૧,૫૫૬ ઉદ્યોગોનું ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન
  • ઝેડ સર્ટિફિકેટ લેવામાં રાજકોટ, અમદાવાદ અને સુરત અને વડોદરાના લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગકારો અગ્રેસર
  • વડોદરાના ગ્રિન સર્જીકલ નામના મધ્યમ કક્ષાના ઉદ્યોગે સતત સાત વર્ષથી ગોલ્ડ સર્ટિફિકેટ મેળવી નોંધાવી સિદ્ધિ

રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ગુણવત્તાયુક્ત ઔદ્યોગિક ઉત્પાદન માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી સર્ટિફિકેશન પ્રોસેસ ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ અંતર્ગત ગુજરાતના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું સૌથી વધુ પ્રમાણન થયું છે. ગુજરાત બાદ કર્ણાટક, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાનનો ક્રમ આવ્યો છે. એમાંય વડોદરાના એક ઉદ્યોગે તો સતત સાત વખત ગોલ્ડ સર્ટિફિકેટ મેળવવાનો વિક્રમ નોંધાવ્યો છે.

ભારત સરકારના લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટને ઝેડ યોજના નામે ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ એમએસએમઇ ઉદ્યોગોને ઝેડ સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યોગોમાં વેસ્ટેજ ઘટાડવા, માર્કેટનું વિસ્તાર કરવા, વીજળી અને કુદરતી સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને પર્યાવરણહિતેષી બનાવવા સાથે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આવા ઉદ્યોગોનું સર્ટિફિકેશન કરવામાં આવે છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આ યોજના અમલી છે.

ઉદ્યોગો બેસ્ટ પ્રેક્ટિસ અપનાવે, વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે ઉત્પાદનના માપદંડોને બહેતર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ સર્ટિફિકેટ આપી તેને પ્રમાણિત કરવામાં આવે છે. આ પ્રમાણપત્ર આઇએસઓ જેવું છે, પણ ભારત સરકાર હવે ઉદ્યોગો માટે ઝેડ આપશે. સિક્સ-સિગ્મા કે કાયઝેન જેવું જ ! તેમ એમએસએમઇ સર્ટિફિકેશન એક્સપર્ટ સપના પંચાલે જણાવ્યું હતું.

ઉક્ત ત્રણ પ્રકારના પ્રમાણપત્ર મેળવવા માટે સરકાર દ્વારા કેટલાક માપદંડો નિયત કરવામાં આવ્યા છે. જેમાં એમએસએમઇ ઉદ્યોગોએ પોતાના ઉત્પાદનની ગુણવત્તા, સુરક્ષા, સ્વચ્છ ઉત્પાદન પ્રક્રીયા, વીજળી અને પર્યાવરણ જેવા માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સર્ટિફિકેટ સાથે ઉદ્યોગોને બેંક ક્રેડિટ, રેલ્વે નૂર, એક્સપોર્ટમાં ફાયદો થાય છે. વિદેશમાં આયોજિત સેમિનારમાં ભાગ લેવા સરકાર સહાય આપે છે.

સમગ્ર દેશમાં ગુજરાતમાં સોથી વધુ ૪૧,૫૫૬ ઉદ્યોગોને આ સર્ટિફિકેટ મળ્યું છે. તેમાં ૬૮ ગોલ્ડ, ૯૦ સિલ્વર અને ૪૧,૩૯૮ બ્રોંઝ સર્ટીફિકેટનો સમાવેશ થાય છે. એ બાદ કર્ણાટકમાં ૩૫,૨૮૧, બિહારમાં ૧૭,૬૨૨, મહારાષ્ટ્રમાં ૧૧,૬૪૭, પંજાબમાં ૧૧,૧૬૬ અને રાજસ્થાનમાં ૯,૫૩૮ ઉદ્યોગોને પ્રમાણપત્ર મળ્યું છે. ગોલ્ડ સર્ટિફિકેટ મેળવવામાં બિહારમાં ૭૪ બાદ ગુજરાત ૬૭ ઉદ્યોગો સાથે દ્વિતીય છે.

ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો ઝેડ સર્ટિફિકેટ લેવામાં રાજકોટ ૯૬૯૨ ઉદ્યોગો સાથે સૌથી આગળ છે. ત્યાં ૯૬૬૧ બ્રોંઝ, ૧૦ ગોલ્ડ અને ૨૧ સિલ્વર સર્ટીફિકેટ છે. અમદાવાદમાં ૧૪ ગોલ્ડ, ૧૩ સિલ્વર અને ૮૮૦૪ બ્રોંઝ મળી કુલ ૮૮૩૧ ઝેડ સર્ટીફિકેટધારકો છે. એ બાદ સુરતમાં ૩ ગોલ્ડ, બે સિલ્વર અને ૭૬૭૪ બ્રોંઝ મળી કુલ ૭૬૭૯ ઉદ્યોગોનું સર્ટિફિકેશન થયું છે. આ જિલ્લાઓમાં સૌથી વધુ ૨૩ સિલ્વર સર્ટિફિકેશન વડોદરામાં થયું છે, આ જિલ્લામાં ૭ ગોલ્ડ અને ૨૧૬૮ બ્રોંઝ મળી કુલ ૨૧૯૮ ઉદ્યોગોએ ઝેડ સર્ટીફિકેશન કરાવ્યું છે.

વડોદરા માટે રસપ્રદ બાબત તો એ છે કે, વડોદરાના ગ્રિન સર્જીકલ લી. પાસે છેલ્લા સાત વર્ષથી ઝેડનું ગોલ્ડ સર્ટિફિકેટ છે. આખા ગુજરાત રાજ્યમાં માત્ર ૬૮ ગોલ્ડ સર્ટિફિકેટ ધારક ઉદ્યોગો છે અને એમાં ગ્રિન સર્જીકલ પાસે સતત વર્ષથી આ પ્રમાણપત્ર હોવું એ પણ એક સિદ્ધિ છે. તેમ વડોદરાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી શક્તિસિંહ ઠાકોર કહે છે.

ઉક્ત કંપનીના ડિરેક્ટર ડો. વિનય કુમાર પોતે હાડકાના સર્જન છે. તેઓ કહે છે, ઝેડ સર્ટિફિકેશનથી અમારા ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો આવ્યો છે. પર્યાવરણીય અસરો ઓછી કરતા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ઉત્પાદનના નિકાસ માટે આ સર્ટિફિકેટથી વિદેશી ગ્રાહકોનો વિશ્વાસ વધે છે. આ સર્ટિફિકેટ બાદ સરકારની સહાય આવકારદાયક છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news