રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ થતા ચાલુ વર્ષે ૬૧.૩૦ લાખ હેકટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું

સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાવર્ત્રિક વરસાદ થતા રાજ્યમાં ૬૧.૩૦ લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે,જે ગતવર્ષની સરખામણીએ ૧૧૦ ટકા જેટલું વાવેતર થયું છે,તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

 

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ થતા ખેડૂતો ખુશ-ખુશાલ થયા છે. રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ થતા ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૬૧.૨૦ લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ ૫૫.૪૧ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.

 

મંત્રીએ ઉમેર્યું હતુ કે, છેલ્લા ૩ વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ ૮૫.૯૭ લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૭૧.૩૧ ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.

 

પ્રવક્તા મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે, અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે. આ વર્ષે પણ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કુલ ૨૫.૩૯ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કપાસનું ૨૩.૧૧ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું.

 

મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ તેલીબીયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ ૧૯.૧૮ લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ૧૭.૮૭ લાખ હેક્ટર હતું.રાજ્યના મુખ્ય તેલીબીયા પાક એવા મગફળીનું પણ રાજ્યમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. રાજ્યમાં આ વર્ષે મગફળી પાકનું પણ ૧૫.૮૪ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયું છે.

 

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થતાં ખેડૂતોએ કપાસ, મગફળી, એરંડા, તલ, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થયો છે અને હજુ પણ પાક વાવેતરના વિસ્તારમાં પણ વધારો આવવાની પૂરતી સંભાવનાઓ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news