GPCBએ આ એક ભુતિયું કનેક્શન દૂર કરવા કરેલ કામગીરી ખરેખર પ્રશંસનીય, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયા અને તેમની ટીમ ધન્યવાદને પાત્ર પરંતુ અંકલેશ્વરના આવા અનેક ભૂતિયા કનેક્શનનો પણ જીપીસીબી આ રીતની કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે દૂર કરશે એવી લોકોને આશા, અન્યથા લોકોમાં એવી છાપ ઊભી થશે કે એક એકમ દ્વારા વ્યવહાર ના પહોંચતા આ કાર્યવાહી કરવામા આવેલ છે

  • આવા અનેક ભૂતિયા કનેક્શનનો પણ જીપીસીબી આ રીતની કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે દૂર કરશે એવી લોકોને આશા, અન્યથા લોકોમાં એવી છાપ ઊભી થશે કે એક એકમ દ્વારા વ્યવહાર ના પહોંચતા આ કાર્યવાહી કરવામા આવેલ છે
  • આવા ભૂતિયા જોડાણોની માહિતી જીપીસીબીના ક્ષેત્રીય કર્મચારીની જાણમાં હોય જ છે તેવી લોકોમાં ચર્ચા

અંકલેશ્વરઃ લોકસભાની ચૂંટણી પૂરી થતાંજ અંકલેશ્વર જીપીસીબીએ એકમનું અનટ્રીટેડ ગંદુ પાણીનું ભૂતિયું કનેક્શન ઝડપી પાડ્યું છે. શ્રી શ્રધ્દ્ધા કેમિકલની પાછળ દીવાલ નજીક આવેલ એનસીટીની લાઈનમાં, ગેરકાયદેસર ડિસ્ચાર્જ વગર કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવા માટે ગેરકાયદેસર જોડાણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં ઘનિષ્ઠ તપાસ અર્થે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલીયા સહિત એનસીટી એસોસીએશનની ટીમ સવારથી ઉપસ્થિત રહી હતી અને શંકાસ્પદ ભૂતિયા કનેક્શનનું ખોદકામ કરી ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અંકલેશ્વર જીઆઇડીસીમાં અનેક એકમો ભૂતિયા કનેક્શોનોથી ધમધમી રહ્યાં છે. ત્યારે આવા જોડાણો કૃત્ય માટે જવાબદાર કંપનીઓને કાયદાના કઠેડામાં લાવી તેમની સામે કડક અને દંડનીય કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઇએ, જેથી અંકલેશ્વરના નદી, નાળા જેવા જળસ્ત્રોતો કે જે સંપૂર્ણ રીતે એસિડિક પાણી ધરાવે છે, તેને ઉપયોગી બનાવવામાં આવે તો પર્યાવરણ માટે રાહત લાવનારૂં પગલુ સાબિત થશે. પરંતુ શું આ શક્ય છે, કારણ કે એકાદ-બે કંપનીઓને સમયાંતરે પકડી છોડી દેવામાં આવે છે. તેથી અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થઇ રહ્યો છે કે આ માત્રને માત્ર અમૂક કંપનીઓને લક્ષિત કરી ચોક્કસ સમયે જ કેમ કાર્યવાહી કરી પાછળથી થોડા દિવસનું ક્લોઝર કે ડાયરેકશન નોટિસ આપીને સંતોષ માનવામાં આવે છે.

આ એક ભૂતિયા કનેક્શનને પકડી પાડવાની કાર્યવાહી બાદ આવા ગેરકાયદેસર જોડાણ ધરાવતા અનેક એકમોને પકડી પાડવાની કાર્યવાહી જળવાઇ રહે તે જરૂરી છે. ભૂતકાળમાં જીપીસીબી દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં ભૂતિયા કનેકશનો શોધવા માટે મોટાપાયે ડ્રાઇવ પણ કરવામાં આવેલ છે. ભૂતિયા કનેક્શનો થકી પ્રદૂષણ ફેલાવતા કૃત્યો પાછળ પર્યાવરણના દુશ્મનો એવા પ્રદૂષણ માફિયાઓ ઉપર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે, જેની રાહ સ્થાનિક લોકો વર્ષોથી જોઇ રહ્યાં છે.