જંગલમાં રહેતા સજીવોમાં કુલ ૧૭ લાખ વાયરસ હોવાનો અંદાજઃ રિપોર્ટ
કોરોના વાયરસ વન્યજીવોમાંથી મનુષ્યોમાં આવ્યો છે. જંગલી જીવોમાંથી મનુષ્યોને વાયરસનો ચેપ લાગે એ કોઇ જ નવી વાત નથી. પરંતુ કોરોનાએ વાયરસ કેટલો ઘાતક હોય છે તે સાબિત કરી આપ્યું છે. આ બધાની વચ્ચે ‘ઈન્ટરગવર્મેન્ટલ સાયન્સ પોલિસી પ્લેટફોર્મ ઓન બાયોડાઈવર્સિટી એન્ડ ઈકોસિસ્ટમ સર્વિસનો રિપોર્ટ રજૂ થયો હતો.
આ આંતરરાષ્ટ્રીય રિપોર્ટ પ્રમાણે જંગલમાં રહેતા સજીવોમાં કુલ મળીને ૧૭ લાખ વાયરસ હોવાનો અંદાજ છે. તેમાંથી ૮.૫ લાખ વાયરસ એવા છે, જે ચેપી છે અને મનુષ્યને ચેપ લાગી શકે છે. બધા વાયરસો કોરોના જેવા ન હોય તો પણ એકાદ વાયરસનો ચેપ પણ મનુષ્યને ભારે પડી શકે એમ છે.
આ રિપોર્ટ દ્વારા વિશ્વને સાવધાન કરવામાં આવ્યું છે. કેમ કે વિકાસ કાર્યોના નામે જંગલો કપાઈ રહ્યા છે અને વન્યજીવોના રહેઠાણો ઓછા થઈ રહ્યા છે. પરિણામે જે સજીવો અગાઉ ભાગ્યે જ મનુષ્યના સંપર્કમાં આવતા હતા એ હવે સરળતાથી મનુષ્યના સંસર્ગમાં આવવા લાગ્યા છે. પરિણામે ચેપ લાગવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
ઉલ્લેખનીય છેકે છેલ્લી એક સદીમાં કુલ ૬ મોટા વિશ્વવ્યાપી રોગચાળા નોંધાયા છે અને આ તમામ રોગળાચા જંગલી જીવોમાંથી આવ્યા છે. આ વાયરસ ફેલાવાથી અર્થતંત્રને કરોડો-અબજાે ડૉલરનું નુકસાન થતું હોય છે.
કોરોના પછીય જાે જંગલો કાપવાનું અને વન્યજીવોને છંછેડવાનું બંધ નહીં થાય તો ભવિષ્યમાં વધુ વાઈરસ મનુષ્યના શરીરમાં પ્રવેશી ચેપ લગાડી શકે એમ છે તેમાં કોઇ જ શંકાનું સ્થાન નથી.