ટીમ વડોદરા દ્વારા આયોજીત ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ પર ચર્ચાસત્રમાં સહભાગી થતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત
‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાના સુખદ પરિણામો રાજ્યને પ્રાપ્ત થઈ રહ્યા છે: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત
વડોદરાનો સર્વાંગી વિકાસ થાય અને શહેરના ઉજ્જવળ ભવિષ્ય માટે ટીમ વડોદરા દ્વારા આજે મુખ્ય ચાર વિષયો પૈકી ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને રાજવી પરિવારના સમરજીતસિંહ ગાયકવાડ વિશેષ સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ ને વધુ વેગ આપવાના ધ્યેય સાથે કામ કરી રહી છે, તેમ જણાવી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગવા અને દૂરંદેશી સાથેના એક વૈશ્વિક સ્તરના કદમની પ્રશંસા કરી હતી.
સિંગલ વિન્ડો સિસ્ટમ અને ડિજિટલાઈઝેશનથી ગુજરાતના ઉદ્યોગ અને વેપારમાં પારદર્શકતા અને સરળતા હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું. બિઝનેસ ફ્રેન્ડલી પૉલિસી અને ઉદ્યોગકારોને પ્રોત્સાહનના પરિણામે ગુજરાતમાં એમ.એસ.એમ.ઇ.નો વિકાસ નવી ઉંચાઈઓ પર પહોંચ્યો હોવાનું બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
આજે સ્માર્ટ જી.આઈ.ડી.સી. થકી ઉદ્યોગોને સાનુકૂળ વાતાવરણ અને આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ઉદ્યોગકારોની સરકાર ચિંતા કરે છે અને તેમના ઝડપી વિકાસ માટે સરકાર મંથન કરી ત્વરીત નિર્ણયો લઈ રહી હોવાનું ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું. વાઈબ્રન્ટ ગુજરાત જેવા સફળ કાર્યક્રમનો પાયો નાખીને તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુનિયાના દેશોને ગુજરાતમાં મૂડીરોકાણ માટે આમંત્રિત કર્યા છે અને આજે ગુજરાત ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર છે, તેમ મંત્રી બળવંતસિહે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ પરિસંવાદ સત્રમાં મુક્ત મને થયેલી ચર્ચા આવતીકાલના વડોદરાને વધુ સુંદર અને વિકસિત બનાવશે તેમ જણાવી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહે ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાના સુખદ પરિણામો રાજ્યને પ્રાપ્ત થઈ રહ્યા છે તેમ ઉમેર્યું હતું. વિશ્વ ગુજરાત અને તેના વિકાસની નોંધ લેશે તેમ કહી મંત્રીએ હાજર મહાનુભાવો અને ઉદ્યોગકારોને ઉદ્યોગ માટે પ્રસ્તાવ કે રજૂઆતો લાવવા અને ગણતરીના કલાકોમાં તેના ઉકેલ અને અમલીકરણ આવી જશે તેવી તત્પરતા દર્શાવી હતી.
આ ચર્ચાસત્ર એ વડોદરાના વિકાસ માટેનું માળખું છે તેમ કહી વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ કાર્યક્રમને વડોદરાને સુંદર અને વિકસિત બનાવવાનું પ્લેટફોર્મ ગણાવ્યુ હતું. સરકારના પ્રતિનિધિઓ, અધિકારીઓ, મીડિયા અને ઉદ્યોગકારો સાથે મળીને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર મુક્ત મને ચર્ચા કરે તેવું દેશમાં આ સૌપ્રથમ વખત હશે, તેમ જણાવ્યું હતું. આ ચર્ચાસત્રથી વડોદરાને શું જોઈએ છે અને ખૂટતી કડી કઈ છે? કે જેના થકી ઉદ્યોગો અને શહેરનો વિકાસ થઈ શકે, તે નક્કી થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મેયર નિલેશભાઈ રાઠોડે સૌનું સ્વાગત કરી કાર્યક્રમને વડોદરાના ભવિષ્યનો શુભારંભ ગણાવ્યો હતો. વિકસિત થવા વડોદરા પ્રયત્નશીલ છે અને ઉત્તમથી સર્વોત્તમ તરફ વડોદરાને લઈ જવા માટે તેમણે નિર્ધાર કર્યો હતો. અને ઉદ્યોગકારોને મહાનગરપાલિકા અને તંત્ર તેમની પડખે હોવાનું આશ્વાસન આપ્યું હતું. ઉદ્યોગો માટે જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે તેમણે દ્રઢ નિશ્ચય વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઝાયડેક્સ ગ્રુપના એમ.ડી. ડૉ. અજયભાઈ રાણકા, આર.આર. ગ્લોબલ ગ્રુપના ચેરમેન ત્રિભુવનપ્રસાદ કાબરા, ઉદ્યોગકાર સેન્ધીલ વી. ત્યાગરાજન તેમજ વરિષ્ઠ પત્રકારશ્રી અજય ઉમટે ઉદ્યોગોને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિ અને નિયતિ પર પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. તેમજ સરકારના પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને સલાહ-સૂચનો આપ્યા હતા.
આ ચર્ચાસત્રમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કેયુરભાઈ રોકડીયા, મનીષાબેન વકીલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ચૈતન્યસિંહ ઝાલા, ચૈતન્યભાઈ દેસાઈ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ, અગ્રણી ડો. વિજય શાહ, સતીષભાઈ પટેલ, મનપા કમિશનર દિલીપ રાણા, જિલ્લા કલેક્ટર અતુલ ગોર, પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘ, કાઉન્સિલર, વિવિધ કંપનીઓના સી.ઈ.ઓ., ઉદ્યોગકારો, ઉદ્યોગ સાહસિકો તેમજ ઉદ્યોગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.