ઉત્તરપ્રદેશમાં મંદિરમાં રાખેલા દીવાને કારણે બહુમાળી બિલ્ડીંગમાં આગ લાગી
યુપીના કાશી વિદ્યાપીઠ રોડ પર આવેલા અન્નપૂર્ણા ભવ્ય એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ ખૂબ જ વિકરાળ હતી,જો કે ફાયર બ્રિગેડે સમયસર ઘટના સ્થળ પર પહોંચી લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢી આગને કાબૂમાં લીધી હતી. મળતી માહિતી મુજબ, આગ ચોથા માળે સ્થિત ફ્લેટ નંબર ૪૦૧ થી શરૂ થઈ હતી અને ત્રણથી વધુ ફ્લેટ તેની લપેટમાં આવી ગયા હતા. આ દરમિયાન જોરદાર વિસ્ફોટના અવાજો પણ આવતા રહ્યા હતા અને ડઝન જેટલા વાહનો સાથે પહોંચેલા ફાયર ફાયટરો મોડી રાત સુધી આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ NDRF અને ડોક્ટરોની ટીમને પણ બોલાવવામાં આવી હતી. હાલમાં મળતી માહિતી મુજબ, બિલ્ડિંગમાં ફસાયેલા ૫૦ થી વધુ લોકોને હાઈડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં રહેતા લોકોનું કહેવું છે કે ફ્લેટના પૂજા ગૃહમાં રાખેલા દીવાને કારણે આગ લાગી હતી. જો કે ઘટનાસ્થળે પહોંચેલા વહીવટી અધિકારીઓનું કહેવું છે કે એસીના કોમ્પ્રેસરમાં વિસ્ફોટ થવાથી આગ લાગી હતી,હાલ તેની તપાસ ચાલી રહી છે અને તપાસ બાદ જ કંઇક કહી શકાશે. તમને જણાવવુ રહ્યું કે, આગને કારણે ભારે નુકસાન થયું હતું અને આગ ઓલવવામાં ફાયર બ્રિગેડના જવાનો પણ દાઝી ગયા હતા.
મળતી માહિતી મુજબ વારાણસીના અન્નપૂર્ણા એપાર્ટમેન્ટમાં આગના સમયે ફ્લેટમાં રહેતા એન્જિનિયર રાકેશ ગુપ્તા નવરાત્રિ પૂજા બાદ પરિવાર સાથે બજારમાં ગયા હતા. આ દરમિયાન દીવામાંથી આગ ફેલાઈ ગઈ હતી અને આગની જ્વાળાને કારણે નજીકમાં રાખેલા ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો.
સ્થાનિક લોકોનું કહેવું છે કે રાકેશને પડોશીઓ દ્વારા ફ્લેટમાં આગ લાગવાની જાણ થઈ હતી. આ સાથે જ લોકોએ એપાર્ટમેન્ટના અગ્નિશામકની પાઈપ પણ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો કાચ તૂટ્યો ન હતો અને ત્યારબાદ પડોશીઓ દ્વારા પણ આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવાઈની વાત તો એ છે કે આગ લાગતા બિલ્ડિંગનું ફાયર એલાર્મ પણ વાગ્યું નહોતુ. આગની માહિતી મળતાં સીએફઓ અનિમેષ સિંહ પણ આગ પર કાબૂ મેળવવા માટે ચોથા માળે પહોંચ્યા હતા. પરંતુ તેની સામે એક સિલિન્ડર ફાટ્યો. જેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા,જો કે હાલ તેમની તબિયત સ્થિર છે.