રાજકોટમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ બેડા અને ડોલ સાથે વિરોધ દર્શાવ્યો
રાજકોટના વધુ એક વોર્ડમાં પાણીની પારાયણ શરૂ થઇ છે. ચોમાસું પાછું ઠેલાવવાની આગાહી વચ્ચે પાણીની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વોર્ડ નંબર ૧૧ના અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં લોકોને પાણી ન મળતા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ૬થી વધુ એપાર્ટમેન્ટમાં લોકોને નિયમિત પાણી ન મળતું હોવાથી ભારે તકલીફ પડી રહી છે. છેલ્લા ઘણા સમયથી પાણી ન મળતા આખરે મહિલાઓની ધીરજ ખૂટી હતી અને વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓએ એકઠા થઇ ખાલી બેડા અને ડોલ સાથે રોષ ઠાલવ્યો હતો.
સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં છેલ્લા ૨૦ દિવસથી પાણી નથી આવતું. આ અંગે વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરી છે. છતાં કોઇ સાંભળવા તૈયાર નથી. એટલું જ નહીં પાણી ન આવતા લોકો પૈસા આપીને વેચાતું પાણી લેવા મજબૂર બન્યાં છે..મહિલાઓનું કહેવું છે આવી ગરમીમાં પાણી ન આવતા કેવી રીતે દિવસ કાઢવો તે પણ મોટો પ્રશ્ન છે.