ગુજરાતમાં ખેડૂતોનાં મોઢે આવેલો કોળિયો કમોસમી વરસાદે છીનવ્યો
કપાસ, બાજરી, જુવાર અને બાગાયતી પાકને ભારે નુકશાન
ભાવનગરઃ જિલ્લામાં થયેલા માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. બે દિવસ પૂર્વે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. કપાસ, બાજરી, જુવાર અને બાગાયતી પાકને ભારે નુકશાન થયું છે. બાજરી, જુવાર અને ઘઉં જેવા ધાન્ય પાકો ઢળી પડ્યા છે. જ્યારે કેળાના વૃક્ષો મૂળ માથી ઉખડી પડ્યા છે. આખું વર્ષ કરેલી મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો મૂંઝાયા છે. ખેડૂતોને મદદરૂપ બનવા સરકારે જાહેરાત તો કરી છે. પરંતુ ભાવનગર જિલ્લામાં હજુ સર્વેની કોઈ જ કામગીરી શરૂ નથી કરાઈ, ત્યારે ઝડપથી સર્વે થાય અને યોગ્ય વળતર ચૂકવાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ભાવનગર જિલ્લામાં ગત વર્ષે પણ અનેક વખત વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા હતા, જેમાં ચોમાસા બાદ સારી ઉપજ મળશે અને નુકશાનની ભરપાઈ થઈ શકશે એવી આશાએ ખેડૂતોએ ફરી વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું, હાલ કપાસ, બાજરી, જુવાર, ઘઉં, ચણા, જીરૂં સહિતના શિયાળુ પાક તેમજ કેળ, જમરૂખ, સરગવો સહિતના બાગાયતી પાક ખેતરોમાં ઊભા હતા ત્યારે ફરી કમોસમી વરસાદે પોતાનો કહેર વરસાવ્યો છે.
રાજ્યના હવામાન વિભાગે ચાર દિવસ માટે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી હતી, જે આગાહી મુજબ ભાવનગર જિલ્લામાં પણ માવઠું થયું હતું, પરંતુ ભારે પવન અને મોટા મોટા કરા સાથે વરસેલા ભારે વરસાદે ખેત પાકોને વ્યાપક નુકશાન પહોંચાડ્યું છે, લણવા માટે તૈયાર કપાસ ખેતરોમાં જ પલળી ગયો છે, જ્યારે જુવાર, બાજરી, ઘઉં, ચણા, જીરું સહિતના શિયાળુ પાક પણ ઢળી પડતા ખેડૂતો ને વ્યાપક નુકશાન થયું છે, જેમાં બાગાયતી પાકમાં કેળ, જમરૂખ, પપૈયા, સરગવો સહિતના બાગાયતી વૃક્ષો મૂળ માથી ઉખડી તૂટી પડતાં ખરા ટાણે મોંમાંથી કોળિયો જુંટવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકાર દ્વારા પણ કૃષિ મંત્રીએ ખેડૂતોને સહાય રૂપ બનવા સહાયની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ ભાવનગર જિલ્લામાં માવઠાને કારણે થયેલા નુકશાન અંગેના સર્વેની કોઈ જ કામગીરી હજુ સુધી શરૂ કરવામાં નથી આવી એવું અધિકારીએ જણાવ્યું હતું, હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની કામગીરીમાં વ્યસ્ત એવા કૃષિ અધિકારી કચેરીએ હાજર ન હોય ટેલીફોનીક સંપર્ક કરતા સરવેની કોઈ કામગીરી શરૂ ના કરાઈ હોવાનું જણાવ્યું હતું.
ભાવનગર જિલ્લો દરિયા કાંઠા નજીક આવેલો હોય કમોસમી વરસાદ અને વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળતી હોય છે, ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં કમોસમી વરસાદથી ખેત પાકોને ભારે નુકશાન પહોંચ્યું છે, ખેત પાકોમાં થયેલા નુકશાન અંગે ખેડૂતો સહાય મળે એવી આશા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ હજુ સર્વેની કામગીરી જ શરૂ નથી થઈ ત્યારે ખેડૂતોને વળતર ક્યારે મળશે એ જોવું રહ્યું.