ગંગાસાગર તીર્થમાં ભગવદગીતા કથિત ત્રણ વિભૂતિ એક સમાન વિદ્યમાન છે – ગંગા, સાગર અને કપિલ મુનીઃ પૂજ્ય મોરારી બાપૂ
ગંગાસાગર પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગનામાં સ્થિત હિન્દુઓનું એક પવિત્ર તીર્થ-સ્થળ છે. આ સ્થાન એક દ્વીપ સ્થિત છે, જે ચારે બાજૂએથી સમુદ્રથી ઘેરાયેલુ છે. એવું કહેવાય છે કે સારે તીરથ બાર બાર, ગંગાસાગર એક બાર. તેને ગંગાસાગર એટલા માટે કહેવામાં આવે છે કારણકે અહીં ગંગા સાગરમાં જઇને મળે છે. વધુમાં અહીં કપિલ મુની – જેમણે વિશ્વને સાંખ્ય શાસ્ત્ર પ્રદાન કર્યું, તેમનો આશ્રમ પણ છે, જેના દર્શન કરવાનો મહિમા છે. કપિલ મુની, સગર રાજાના 60,000 પુત્ર અને ભગીરથ રાજા દ્વારા ગંગા અવતરણની પૌરાણિક કથા આ પવિત્ર સ્થળ સાથે જોડાયેલી છે. આવા પરમ પાવન સંગમ સ્થળ ઉપર ત્રણ દાયકા બાદ ફરી એકવાર નવ દિવસ માટે પૂજ્ય મોરારી બાપૂ દ્વારા રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
માનસ ગંગા સાગર શિર્ષક સાથે શરૂ થયેલી આ રામકથાના નિમિત્ત માત્ર યજમાન અરૂણભાઇ છે, જેમને આ પહેલાં પાંચ કથાના યજમાન બનવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમને સાધુવાદ આપતાં બાપૂએ કથાના પ્રારંભમાં કહ્યું કે એક યુગમાં ભગીરથે પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાને અહીં લાવ્યાં હતાં, જે ગંગા કૈલાસથી શરૂ થઇ અને ગંગાસાગરમાં સમાઇ ગઇ. રામકથા પણ કૈલાસી કથા છે. કૈલાસથી જ નીકળી છે કારણકે શિવજીએ સ્વયં તેનું ગાન કર્યું છે અને તેમણે કથાને ગંગા કહી છે. રામકથા રૂપી ગંગાને ગંગાસાગર સુધી લાવવા માટે નિમિત્ત માત્ર ભગીરથ આ પરિવાર બન્યો છે.
ગંગા અને સાગરના સંગમની તાત્વિક ચર્ચા કરતાં બાપૂએ કહ્યું કે ગંગા અન ેસાગરનું મળવું શરણાગતિનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. શરણાગતિમાં સંઘર્ષ હોતો નથી અને શરણાગતિમાં વધુ સંપર્ક હોતો નથી. બાપૂએ સંપર્કના ચાર દોષ બતાવ્યાં છે. વધુ સંપર્કને કારણે નિંદાનો દોષ પ્રકટ થાય છે, ક્રોધ ઉત્પન્ન થવા લાગે છે, દંભ આવે છે અને સ્પર્ધા શરૂ થઇ જાય છે. આધ્યાત્મ જગતમાં સ્પર્ધા દોષ છે, શ્રદ્ધા શ્રેષ્ઠ ગુણ છે. આ ચર્ચા અંતર્ગત બાપૂએ રવિન્દ્ર નાથ ટાગોરના વક્તવ્યને ટાંકતા જણાવ્યું કે હું એવું વૃક્ષ છું, જેના તમામ પાંદડા ખરી પડ્યાં છે, માત્ર ફળ જ બચ્યાં છે. અને જ્યારે ફળ હોય ત્યારે વૃક્ષે પત્થર ખાવાની તૈયારી રાખવી જોઇએ.
ગંગાસાગર તીર્થને બાપૂએ માનસરોવરની યાત્રા સમાન કઠીન અને દુર્ગમ ગણાવી. ગંગાસાગર, માનસરોવર અને રામચરિત માનસ ત્રણે યાત્રાને બાપૂએ દુર્ગમ ગણાવી.
જેમની પાસે ગુણાતીત શ્રદ્ધાનું સંબલ નથી, સાધુ સંગ નથી અને જેમને પોતાના ઇષ્ટમાં પ્રેમ નથી તેમના માટે ત્રણેય યાત્રા દુર્ગમ છે. બાપૂએ કહ્યું કે ભગવદ્ ગીતાની ત્રણ વિભૂતિ અહીં એક સાથે વિદ્યામાન છે. રામચરિત માનસના ચાર વક્તાઓની વાણીને બાપુએ ચાર પ્રકારની વાણીમાં વિભાજીત કરી. શિવજીની પરા વાણી, કાકભુશુળ્ડિજીની વાણીને પશ્યન્તિ વાણી, યાજ્ઞવલ્ક્યની વાણીને મધ્યમા વાણી અને તુલસીદાસજીની વાણીને વૈખરી વાણી ગણાવી.
કથાના મંગલાચરણ કરતાં બાપૂએ પંચદેવોની ઉપાસનાનું મહત્વ સમજાવતા કહ્યું કે જગદગુરુ શંકરાચાર્યએ સનાતન વૈશ્વિક ધર્માવલંબિઓ માટે પંચદેવોની ઉપાસનાની અનિવાર્યતા બતાવી હતી. ગુરુ વંદના પ્રકરણમાં બાપૂએ ગુરુની મહિમામાં સ્વામી શરણાનંદજીની વાતને રજૂ કરતાં કહ્યું હતું કે વ્યક્તિને ક્યારેય ગુરુ ન સમજો અને ગુરુને ક્યારેય વ્યક્તિ ન સમજો. ગુરુ, વ્યક્તિના રૂપમાં સાક્ષાત પરબ્રહ્મ છે. તમામ પ્રતિ વંદના ભાવ જાગે ત્યારે સમજવું કે દ્રષ્ટિ પાવન થઇ છે. મંગલાચરણના ઘણાં પાસાઓ અંગે જાણકારી પ્રદાન કરતાં બાપૂએ કથાને વિરામ આપ્યો હતો.