અમદાવાદમાં કોરોનાના કહેર સાથે હવા પણ બની ઝેરઃ દિલ્હી-પુના કરતા હવા બની વધારે દૂષિત
અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો
કોરોના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે અન્ય એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક તરફ શહેરીજનો કોરોનાનો માર સહન કરી રહ્યા છે તો બીજી તરફ તેમના માટે હવાનું પ્રદુષણ મુશ્કેલીનું કારણ બની શકે છે. અમદાવાદમાં હાલ સતત હવાના પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ પ્રદુષણ કોરોના દર્દીઓ સહિત શ્વાસની તકલીફવાળા દર્દીઓ માટે મોટો પડકાર બની શકે છે.
દિલ્હી અને પુના કરતા પણ અમદાવાદમાં ધીરે ધીરે હવાનું પ્રદુષણ વધી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એર ક્વોલિટી મોનીટરીંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેના દ્વારા શહેરમાં હવામાં પ્રદુષણનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. ત્યારે અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૮૬ નોંધાયો છે. જે દિલ્હી અને પુનાની સરખામણીએ અમદાવાદમાં સૌથી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે. શહેરમાં સૌથી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ રાયખડમાં નોંધાયો છે. ત્યારે રાયખડમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૩૦૮ નોંધાયો છે. ત્યારે શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૦૦ને પાર કરતા હવામાં પ્રદુષણનું જોખમ વધી રહ્યું છે તેમ કહી શકાય છે.
તો બીજી તરફ કોરોનાએ લોકોના જીવન પર ઘણી અસર કરી છે. હવામાં ફેલાતા કોરોનાને કારણે લોકોએ માસ્ક પહેરવું પડી રહ્યું છે. એવામાં જે પ્રકારે શહેરમાં હવાનું પ્રદુષણ વધી રહ્યું છે તેના કારણે લોકોએ ફરજિયાત માસ્ક પહેરવું જોઇએ. કોરોના દર્દીઓ સહિત અસ્થામા અને શ્વાસની તકલીફવાળા દર્દીઓ માટે આ હવાનું પ્રદુષણ જોખમી સાબિત થઈ શકે છે.