રાજકોટમાં નવનિર્મિત બિલ્ડિંગમાં એક બાદ એક કરી ૩ માળ સળગી ઉઠ્યા, ફર્નિચરનો સમાન રાખ, બે કલાકે કાબુ મેળવ્યો
રાજકોટ શહેરમાં નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કટારીયા ચોક નજીક આવેલ નવનિર્મિત ધ ગ્રાન્ડ પેલેસ નામના બિલ્ડિંગમાં એક બાદ એક ૩ માળ સળગી ઉઠ્યા હતા. જેને પગલે ફાયર બ્રિગેડનો કાફલો ફાઇટર સાથે દોડી ગયો હતો. અને બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. નોંધનીય છે કે બિલ્ડિંગના ૧૧માં માળે અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી. જે બાદ ૧૨ અને ૧૩માં માળે આગ ભભૂકી હતી. જ્યાં આગ લાગી તે ફ્લેટમાં ફર્નિચરકામ થયું હોય તેનો વેસ્ટ લાકડાંનો જથ્થો પડ્યો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું.
જોકે, બિલ્ડીંગ હજુ તૈયાર જ થઇ રહ્યું હોય કોઇ જાનહાનિ થઇ નથી. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરના નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કટારીયા ચોક નજીક નવનિર્મિત ધ ગ્રાન્ડ પેલેસ નામના બિલ્ડિંગમાં ૧૧માં માળે રાત્રીના આગ લાગવાની ઘટના સામે આવી હતી. એ સમયે રાહદારી દ્વારા ફાયર વિભાગના કંટ્રોલમાં ફોન કરી આગ લાગવા બાબતે જાણ કરવામાં આવી હતી. જે બાદ સત્વરે મવડી રોડ, કાલાવડ રોડ અને ર્નિમલા રોડ ફાયર સ્ટેશન ખાતેથી ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં વિકરાળ આગની ઝપટે ૧૧,૧૨ અને ૧૩મો માળ ચડી ગયા હતા. જેને પગલે એક સાથે ત્રણેય માળમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી અને ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા. એ સમયે રાજકોટ તાલુકા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. સતત બે કલાક સુધી ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવ્યો હતો. જે બાદ આગ કાબુમાં આવી હતી.
સદનસીબે નવનિર્મિત ધ ગ્રાન્ડ પેલેસમાં કોઈનું રહેતું ન હોવાને કારણે મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી. પરંતુ ફ્લેટમાં અંદર ફર્નિચર માટેનો સમાન પડ્યો હોય જેમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું અને આગમાં ફર્નિચરનો સમાન બળીને રાખ થઈ ગયો હતો.