સ્પેન્ટ એસિડનો રૂલ-9ના કવચ હેઠળ ગેરકાયદેસર નિકાલ?
- જીપીસીબી રૂલ-9ની મંજુરી હેઠળ થતા સ્પેન્ટ એસિડના નિકાલના મોનીટરીંગમાં અસમર્થ
- મંજુરી કરતા વધુ સ્પેન્ટ એસિડના જથ્થાનો નિકાલ કે ઉપયોગ થાય છે તે જીપીસીબી દ્વારા ચકાસવામાં આવે છે કે કેમ?
- સ્પેન્ટ એસિડમાં કયા જોખમી તત્વો રહેલા છે કે એ ચકાસણી કરવામાં આવે છે કે કેમ તે પણ એક તપાસનો વિષય
- રાજ્યમાં પણ સિમેંટ ઉત્પાદન માટે જીપસમ બનાવવા માટે એકમોને પરવાનગી આપવામાં આવેલ છે. આવા એકમોમાં મોકલવાના નામે સ્પેન્ટ એસિડને ગેરકાયદેસર રીતે ક્યાં ઠાલવવામાં આવતુ હશે એ જીપીસીબી પાસે જાણકારી હશે કે કેમ?
તાજેતરમાં અમદાવાદ શહેરની નારોલ જીઆઈડીસીમાં આવેલી દેવી સિન્થેટિક કંપનીમાં સલફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતુ હતુ ત્યારે બ્લિચીંગ ડિપાર્ટમેન્ટમાંના રસાયણ સાથે રિએક્શન થતાં ફ્યુમના કારણે જીવલેણ ગેસ ગળતર થતાં કામ કરી રહેલા શ્રમિકોને અસર થવા પામી હતી. આ ગોઝારી ઘટનામાં 3 લોકોના ગેસ ગળતરની અસરથી મૃત્યુ થયા છે, આ ટેન્કર એક સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ કરતી સંસ્થા દ્વારા મોકલવામાં આવ્યુ હોવાની વિગત છે. દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડને તેના યુનિટમાં એસિડનો ઉપયોગ કરવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ની મંજૂરી લેવાની હોવાથી તેણે એસિડના ઉપયોગ માટેની માત્ર અરજી કરી હતી. આ અરજી પેન્ડિંગ હોવા છતાં પણ ફેક્ટરીમાં એસિડના ટેન્કર લાવવામાં આવતા હતા. આ સ્થિતિમાં હવે જીપીસીબીની કામગીરી સામે પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. અરજી કર્યા બાદ કંપની માલિક દ્વારા એસિડ લાવવામાં આવે છે કે કેમ અને તેની મંજૂરી માગી છે તો તેને મંજૂરી મળી શકે છે કે કેમ તે અંગે તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને હવે GPCBના જવાબદાર અધિકારીઓ અને ફેક્ટરી માલિક બંને જવાબદાર છે કે કેમ તેની તપાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તો અનેક શ્રમિક પરિવારોના માળો વિખેરાઇ જતા અટકાવી શકાય તેવી અસરગ્રસ્ત શ્રમિકોના પરિવારજનોની માંગ છે.
આ ગોઝારી દુર્ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્પેંટ એસિડનું ટેન્કર ત્યાં આવ્યું ત્યારે સેફ્ટિના કોઈ પગલાં લેવામાં આવ્યાં હતાં કે કેમ? જોકે, ત્યાં કોઈપણ પ્રકારની સેફ્ટી જોવા મળી નહોતી તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. ગુજરાતના અનેક ટેક્ષટાઇલ્સ એકમોમાંમાં ગેરકાયદેસર રીતે એસિડનાં ટેન્કરો ખાલી થતાં હોય છે, ત્યારે સેફ્ટીને લઇને કેમ ચૂક રાખવામાં આવે છે. આ ઘટનામાં GPCB, ફેક્ટરી સેફ્ટી વિભાગ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની આખી મિલી ભગતથી ફેક્ટરીઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ચર્ચા જોવા મળી રહી છે. ગુજરાતના અનેક ટેક્ષટાઇલ્સ એકમોમાં આવા અનેક ગેરકાયદેસર ટેન્કરો ખાલી કરવાથી લઈને એકમોમાં સેફ્ટી વિનાની કામગીરી થતી હોય છે તેમ છતાં પણ ગૂજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કે અન્ય વિભાગો કામગીરી કરી રહ્યાં છે કે કેમ તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
સ્પેન્ટ એસિડનો મુખ્યત્વે ટેક્ષટાઇલ અને સિમેન્ટ પ્લાન્ટમાં પાણીના ન્યુટ્રિલાઇઝેશન માટે ઉપયોગ કરવામાં આવે છે, અમદાવાદ અને સુરત ટેક્ષટાઇલના હબ હોવાથી સમગ્ર ગુજરાત અને નજીકના રાજ્યોમાંથી સ્પેન્ટ એસિડના ટેન્કરો કાયદેસર અને ગેરકાયદેસર રીતે નિકાલ કરવા માટે ઠલવાઇ રહ્યા છે. સુરતના સચીન જીઆઈડીસી વિસ્તારમાં જાન્યુઆરી, 2022માં વિશ્વ પ્રેમ મીલ નજીક એક ટેન્કર નાળામાં કેમિકલ ઠાલવી રહ્યું હતું જેના ગૅસને લીધે દુર્ઘટના સર્જાઈ જેના લીધે છ લોકોના મૃત્યુ થયા હતા. આ કેમીકલનુ ટેન્કર અન્ય રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલનો નિકાલ કરવા માટે લાવવામાં અવ્યુ હોવાનું જાણવા મળેલ. આ ઉપરાંત, આ વર્ષેની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં જલદ એસિડયુક્ત પ્રદૂષિત પ્રવાહી નદીમાં સીધુ છોડવામાં આવી રહ્યાનો વીડિયો વાયરલ પણ થયો હતો. આશરે 25,000 લિટર જેટલા ભારે જથ્થામાં સ્પેન્ટ એસિડ એક ફેક્ટરીની ગટરલાઇનના માધ્યમથી સીધુ જ છોડવામાં આવી રહ્યું હતુ. સ્પેન્ટ એસિડનો ગેરકાયદાસર રીતે નિકાલ કરવામાં આવી રહ્યો હોય તે અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યાં છે.
સ્પેન્ટ એસિડના અન્ય મુખ્ય ઉપયોગકર્તા સિમેન્ટ પ્લાન્ટ્સ છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં મોટા સિમેન્ટ પ્લાન્ટ આવેલા છે. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સ્પેન્ટ એસિડના ટેન્કરો ત્યાં રૂલ-9ની પરમીશન હેઠળ મોકલવામાં આવે છે, પરંતુ આ આંતર રાજ્ય બાબત બની જતી હોવાથી તે બાબત ગંભીર બની જાય છે કારણકે આ ટેન્કરો ક્યાં ખાલી થઇ રહ્યાં છે, તે અંગે કોઇ મોનીટરીંગ કરવામાં આવે છે કે કેમ?
ઉત્પાદકો દ્વારા સ્પેન્ટ એસિડ મોકલાતા પહેલા જીપીસીબીના નિયમોનુસાર ઓનલાઇન મેનીફેસ્ટ જનરેટ કરવામાં આવે છે. તેમાં બધી વિગતો આપવાની હોય છે. આ મેનીફેસ્ટનુ જીપીસીબી દ્વારા માત્ર જ્યારે અકસ્માત થાય ત્યારેજ ચકાસણી કરવામાં આવે છે. સ્પેન્ટ એસિડ લઇ જતા વાહનનુ પણ જીપીસીબીની VLTS સીસ્ટમ દ્વારા ઓનલાઇન મોનીટરીંગ કરવાની વ્ય્વસ્થા હોવા છતા પણ તેનો ચુસ્તપણે ઉપયોગ થઈ રહ્યો નથી. જેના ગેરલાભ પ્રદુષણ માફિયાઓ ઉઠાવી પર્યાવરણને મોટુ નુકશાન પહોંચાડી રહ્યા છે.
આ ઉપરાંત, રાજસ્થાન જેવા મોટા પાયે સિમેન્ટ ઉદ્યોગ ધરાવતા રાજ્યમાં કે જ્યાં સ્પેન્ટ એસિડ મોકલવામાં આવે છે તે જે તે એકમોની ખપત મુજબ મોકલવામાં આવે છે કેમ તે પણ એક મહત્વનું પાસું છે. સ્પેન્ટ એસિડનું સંચાલન કરતા એકમો ક્યાં અને કેટલી માત્રામાં સ્પેન્ટ એસિડ મોકલે છે અને જે એકમો સ્પેન્ટ એસિડનો વપરાશ કરે છે તે આંકડાઓની સરખામણી કરીને પણ સ્પેન્ટ એસિડના ગેરકાયદેસર ઉપયોગ પર નિયંત્રણ રાખી શકાય છે. રાજ્યમાં પણ સિમેંટ ઉત્પાદન માટે જીપસમ બનાવવા માટે એકમોને પરવાનગી આપવામાં આવેલ છે. આવા એકમોમાં મોકલવાના નામે સ્પેન્ટ એસિડને ગેરકાયદેસર રીતે ક્યાં ઠાલવવામાં આવતુ હશે એ જીપીસીબી પાસે જાણકારી હશે કે કેમ? આ ઉપરાંત, એક મહત્વપૂર્ણ વિષય એ પણ છે કે સ્પેન્ટ એસિડની પ્યોરિટીની ચકાસણી કરવામાં આવે છે કે પછી આ સંદર્ભે માત્ર ઔપચારિકતા દાખવવામાં આવે છે.
અહીં જે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યાં છે તેમાં રહી જતી ત્રુટિઓને દૂર કરવામાં આવે અને ચોકસાઈથી નિર્ધારિત નિયમોનું પાલન કરવામાં આવે તે દેવી સિન્થિટિક કંપનીમાં બની તેવી ઘટનાઓને ટાળી શકાય અને અનેક શ્રમિકોના જીવનને બચાવી શકાય તેમ છે.
*તસવીરઃ પ્રતિકાત્મક છે