હોંગકોંગના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આગ લાગી : ૩૦૦થી વધુ ફસાયા
હોંગકોંગના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ભીષણ આગ લાગી છે. જેના કારણે અહીં ૩૦૦થી વધુ લોકો ફસાયા છે. આગના સમાચાર બુધવારે લગભગ ૧૨ વાગ્યાની આસપાસ પ્રકાશમાં આવ્યા હતા.આગ બિલ્ડિંગના પહેલા માળેથી લાગી હોવાનું માનવામાં આવે છે, જ્યાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં વૃદ્ધો સહિત એક ડઝનથી વધુ લોકો બિલ્ડિંગના પાંચમા માળે છતની ડેકમાં ફસાયેલા જોવા મળે છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.લગભગ ૧૦૦ લોકોને બિલ્ડિંગના પાંચમા માળના ઓપન-એર એરિયા વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, શોપિંગ સેન્ટરની રેસ્ટોરન્ટમાં હજુ પણ ડઝનબંધ લોકો ફસાયેલા છે. તે જ સમયે, એક સરકારી પ્રવક્તાએ કહ્યું કે, અગ્નિશામકો પાણીના બે જેટ વડે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પ્રવક્તાએ કહ્યું કે, શ્વાસ લેવાના સાધનોથી સજ્જ બે ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. ૬૦ વર્ષની એક મહિલા બેભાન થઈને જમીન પર ઢળી પડી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આગને કારણે ૩૮ માળની ઈમારતમાં ઘણો ધુમાડો ફેલાઈ ગયો હતો. તેના કારણે અન્ય ત્રણ લોકોની તબિયત પણ લથડી હતી. આ બિલ્ડીંગમાં ઓફિસ, મોલ, દુકાનો અને રેસ્ટોરાં છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ હજુ પણ ઘણા લોકો ઈમારતમાં ફસાયેલા છે. અગ્નિશામકો આ લોકોને બહાર કાઢવા માટે સીડીનો ઉપયોગ કરી રહ્યા છે. લોકો બિલ્ડીંગના નીચેના માળેથી બહાર નીકળતા જોવા મળ્યા છે. આગને લેવલ થ્રીની ઘટના તરીકે વર્ણવવામાં આવી છે. શહેરમાં આગની તીવ્રતાને એકથી પાંચના સ્કેલ પર વર્ગીકૃત કરવામાં આવી છે, જેમાં બાદમાં સૌથી ગંભીર છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેઓને આગની ઘટના સાથે સંબંધિત ઘણા ફોન આવ્યા હતા, જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે ગાઢ ધુમાડાએ બિલ્ડિંગની પાછળની સીડીઓને ઘેરી લીધી છે.