રાજકોટમાં ફર્નિચરના શો રૂમમાં ભીષણ આગથી નુક્શાન
રાજકોટમાં એક ફર્નિચરના શો રુમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મવડી વિસ્તારના આંનદ બંગલા ચોક નજીક આવેલા રાજકમલ ફર્નિચરના શો રૂમમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. લાકડાના ફર્નિચરના શો રુમમાં આગ લાગી હોવાથી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ છે. આગ એટલી ભયાનક છે કે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા આકાશમાં દેખાઇ રહ્યા છે. આગ બુઝાવવા માટે ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. રાજકોટમાં મવડી વિસ્તારના આંનદ બંગલા ચોક નજીક એક ફર્નિચરના શો રૂમમાં આગ લાગી છે. ઘટના કઇક એવી રીતે બની છે કે પહેલા ફર્નિચરના શોરૂમ નજીક આવેલા ખાલી પ્લોટમાં આગ લાગી હતી. જે પછી ફર્નિચરના કારખાનામાં આ આગ પ્રસરી ગઇ હતી.ઘટનાની જાણ થતા જ ૮થી વધુ ફાયર બ્રિગેડના જવાનો પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરુ આવ્યો હતો. હાલમાં શો રુમનો કાચ તોડી નાખવામાં આવ્યો છે. જેથી ધૂમાડા બહાર કાઢવામાં આવ્યો છે. શો રૂમના નીચેના રુમમાંથી સામાન બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી અન્ય કંપનીમાં તેની અસર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.
તમામ કર્મચારીઓ સુરક્ષિત છે. આગ લાગી ત્યારે જ કર્મચારીઓ બહાર આવી ગયા હતા. તેમણે તાત્કાલિક તેમની પાસે આગ પર કાબુ મેળવવાના સાધન હતા તેનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ કાબુમાં ન આવતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે શરુઆતમાં કોઇ સ્પાર્ક થયો હતો બાદમાં શો રુમમાં આગ લાગી હતી. જો કે હજુ પણ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. જો કે આગ લાગવાના કારણે વીજ કનેક્શનને અસર ન થાય અને આસપાસના અન્ય વિસ્તારમાં કોઇ અઘટિત ઘટના ન બને તેનું ધ્યાન PGVCL દ્વારા રાખવામાં આવી રહ્યુ છે.