રાખરાજ : નારોલ વિસ્તારમાં અત્ર, તત્ર, સર્વત્ર ફેલાયેલા રાખના ઢગલા સ્વાસ્થ્ય માટે જોખમકારક
જીપીસીબીની ઉદાસીનતાના પગલે દિન-પ્રતિદિન રાખના ઢગલાઓમાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે
જીપીસીબી દ્વારા દંડનીય કાર્યવાહી થાય તેવી જાગૃત નાગરિકો કરી રહ્યાં છે માંગ
અમદાવાદઃ અમદાવાદના નારોલ વિસ્તારથી સાબરમતી નદી કિનારા તરફ આવતા ગ્યાસપુર, નારોલ વિસ્તારમાં સર્વત્ર રાખનું સામ્રાજ્ય ફેલાયેલુ જોવા મળી રહ્યું છે. અત્ર તત્ર સર્વત્ર રાખના ઢગલાઓની ઉપસ્થિતિ આ વિસ્તારની મુલાકાત સમયે ઠેરઠેર જોવા મળી રહી છે.
નારોલ વિસ્તારમાં ઠલવાતા ગરમ માટીના ઢગલાથી ગણેશનગરમાં ગત વર્ષે કચરો વિણતી મહિલા ગંભીર રીતે દાઝી જતા એક મહિના સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ તેણીનું મોત થયુ હતુ. જે સિવાય આવા અન્ય બનાવો વિશે સમાચારોમાં પણ આવી ચૂક્યાં છે. ત્યારે આવી પ્રકારનું જોખમી પ્રદૂષિત કેમિકલ સામગ્રીને રસ્તા પર જાહેરમાં ઠાલવવું એક પ્રકારનું ગુનાહિત કાર્ય છે. જ્યાં જવાબદારો આવી રાખના ઢગલા જાહેરમાં ઠાલવીને સામાન્ય લોકોની જીંદગી સાથે રમત રમી રહ્યાં છે.
અહીં જોવા મળતા રાખના ઢગલાઓ માનવ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે. તે વિશે વધુ વાત કરીએ તો રાખ શ્વસન મારફતે માનવ શરીરના શ્વસન તંત્રના મુખ્ય ઘટક એવા ફેફસામાં સૌથી ઉંડે સુધી જઇ શકે છે. જેના કારણે અસ્થમા અને શ્વસનતંત્રને લગતી અન્ય બિમારીઓ જેવી કે કેન્સર સહિતની બિમારીઓનું જોખમ ઉભુ થાય છે. રાખમાં ઉપસ્થિત સિલિકા ફેફસામાં જવા થવાના કારણે સિલિકોસીસ અને ફેફસામાં ડાઘ પાડી શકે છે. જેના પરિણામ સ્વરૂપે ફેફસા ખરાબ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. ફેફસાની અન્ય જીવલેણ બિમારીઓને પણ આ રાખના ઢગલા આમંત્રિત કરી રહ્યાં છે. રાખમાં ઉપસ્થિત સીસુ, આર્સેનિક અને હેકસાવેલેટ ક્રોમિયમ શ્વાસમાં જતા શ્વસન તંત્રને નુક્શાન થઇ શકે છે. આવી ઘાતુઓ ગર્ભવતી મહિલાઓ અને ગર્ભસ્થ શીશુઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
કેન્દ્ર સરકાર અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પણ આ પ્રકારની રાખથી થતાં પ્રદૂષણને લઇને ચિંતિત છે. આ રાખનો પુનઃઉપયોગ કરી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક ર્નિણય લેવામાં આવ્યા છે. પરંતુ, આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઉદાસીનતા પગલે દિન-પ્રતિદિન રાખના ઢગલાઓમાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. જેના કારણે આ વિસ્તારોના સ્થાનિકો માટે વસવાટ અને જીવન જીવવુ ખૂબ જ અસહ્ય બની ગયુ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ વિસ્તારમાં સતત સઘન મોનિટરીંગ કરવામાં આવે અને આ રીતે રાખનું પ્રદૂષણ ફેલાવનાર જવાબદારો પાસેથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા નિર્ધારીત કરવામાં આવેલી પેનલ્ટીની ફોર્મ્યુલા અનુસાર દંડ વસૂલવામાં આવે અને જવાબદાર ઔદ્યોગિક એકમો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગણી આ વિસ્તારના રહીશો દ્વારા કરવામાં આવી રહી છે.