હરિયાણા, પંજાબ, દિલ્હીમાં ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસાની વિદાય જોવા મળશે
હરિયાણા, પંજાબ, દિલ્હીમાં ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસાની વિદાય જોવા મળશે. આ સાથે જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં પણ ચોમાસું વિદાય લેશે. જોકે ૨૦ સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનમાં વિદાયની શરૂઆત થઈ હતી. ત્યાં ચોમાસાએ વિદાય લેતાં છ દિવસ લાગ્યા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૩૦ સપ્ટેમ્બર સુધી વરસાદની ગણતરી થશે. ચોમાસામાં સામાન્ય રૂપમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બને છે, એ ઉત્તર, મધ્ય ભારત થઈને પાકિસ્તાન પહોંચે છે. આ વખતે અત્યારસુધીમાં ૧૧ સિસ્ટમ બની છે, જેમાંથી ૨ સિસ્ટમ સપ્ટેમ્બરમાં બની છે. ૧૫થી ૧૮ સપ્ટેમ્બર સુધી પહેલી સિસ્ટમમાં લખનઉ સહિત પૂર્વ ઉત્તરપ્રદેશથી દિલ્હી સુધી ભારે વરસાદ પડ્યો હતો.
૨૧ સપ્ટેમ્બરના રોજ ઓડિશાથી આગળ વધીને એ ૨૨-૨૩ સપ્ટેમ્બરના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર પર સાઇક્લોનિક સર્ક્યુલેશન તરીકે સ્થિર થયું અને પછી ઉત્તરપ્રદેશ, દિલ્હી અને હરિયાણા પહોંચ્યું. પાંચ દિવસ સુધી હળવો અને ભારે વરસાદ પડ્યો. સામાન્ય રીતે આવી ઘટનાઓ જુલાઈ-ઓગસ્ટમાં બને છે. અપેક્ષા છે કે ૨૭ સપ્ટેમ્બર સુધીમાં વરસાદી વાદળો દૂર થશે.સાઇક્લોનિક અને એન્ટી-સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ વચ્ચે શું તફાવત છે?સાઇક્લોનિક સર્ક્યુલેશનમાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવા નીચેથી ઉપરની તરફ જાય છે અને ઠંડીનું વાતાવરણ ઉદ્ભવતાં એ વાદળ બને છે. બીજી બાજુ, એન્ટી-સાઇક્લોનિક સર્ક્યુલેશન, એટલે કે વિરોધી ચક્રવાત પરિભ્રમણમાં હવા વિરુદ્ધ દિશામાં ફરે છે, ઉપરથી નીચે તરફ જાય છે અને ગરમ થાય છે, પરંતુ એમાં વાદળો બનતાં નથી.ઉત્તર ભારતમાં પહોંચેલી છેલ્લી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હવે પૂરી થઈ ગઈ છે.
રાજસ્થાનમાં એક નવું એન્ટી-સાઇક્લોનિક સર્ક્યુલેશન વિકસી રહ્યું છે. જો આમ જ ચાલુ રહેશે તો વરસાદની ગતિવિધિઓ પૂર્ણ થવા લાગશે. એક ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે કે ભારે વરસાદ અને અતિભારે વરસાદની ઘટનાઓ વધી ગઈ છે. ૩૦ વર્ષ પહેલાં જે રીતે ધીમી ગતિ પર વરસાદ પડતો હતો અને વરસાદના દિવસો પણ વધુ હતા, પરંતુ હાલમાં એમાં ઘટાડો થયો છે. હવામાનની આગાહી કરવી અમેરિકા અને યુરોપિયન દેશ જેટલી સરળ નથી. આપણા દેશમાં બંને તરફ દરિયો છે, ગરમી પણ ખૂબ પડે છે અને હવામાં ભેજ એટલો ફરતો રહે છે કે ક્યાં અને ક્યારે વરસાદ પડશે એની આગાહી કરવી મુશ્કેલ છે.શિયાળામાં આપણે વધુ સચોટ ભવિષ્યવાણી કરી શકીએ છીએ. ત્રણથી ચાર દિવસ અગાઉથી ૧૦૦ ટકા સચોટ માહિતી આપવામાં આવે છે. જોકે ચોમાસાના કિસ્સામાં બે-ત્રણ દિવસ અગાઉ ૮૦ ટકા સાચી આગાહી કરવામાં આવે છે.