આનંદોઃ ૧૭થી ૨૩ દરમ્યાન રાજ્યમાં વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘરાજા રિસાયા છે, રાજ્યમાં હાલ વરસાદ ન પડવાના કારણે ચારેબાજુ પરિસ્થિતિ વિકટ બની રહી છે. રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ પણ ખરાબ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ પણ ૪૮ટકા વરસાદની ઘટ છે, ત્યારે ગુજરાત માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં ૧૮થી ૨૦ ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી દીધી છે. ગુજરાતમાં વરસાદ ખેંચી લાવે તેવી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. પરંતુ હવામાન વિભાગના મતે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેની આગાહી કરી છે.
આગામી ૧૮,૧૯ અને ૨૦ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતને સારો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટરમ બની રહી છે, જેના પગલે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, વાપીમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હજુ પણ ભારે વરસાદની રાહ જોવી પડશે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૨૫૮ મીમી વરસાદ પડ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે શનિવારે સવારે મેઘરાજાએ સુરત, નવસારી અને વલસાડના છૂટાછવાયા વિસ્તારમાં બેટિંગ શરૂ કરી હતી, પરંતુ બેથી ત્રણ કલાકમાં વાદળો વિખેરાઇ ગયાં હતાં. આ દરમિયાન વલસાડમાં એક ઇંચ, ઉમરગામમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે સુરત જિલ્લાના બારડોલીમાં ૦૯ મી.મી., મહુવામાં ૦૮ મી.મી. વરસાદ પડયો હતો. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર ૧૮મી સુધીમાં લોપ્રેશન સિસ્ટમ સાથે સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. જે ૧૯મી બાદ ભારે વરસાદ લાવી શકે છે, પરંતુ સમગ્ર પરિસ્થિતિ ૧૮મીએ સ્પષ્ટ થશે.