ગુજરાત રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં આંશિક રાહત મળશેઃ હવામાન વિભાગ
અમદાવાદ: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. લઘુત્તમ તાપમાનમાં ધીમેધીમે વધારો થતાં રાજ્યના લોકોને ઠંડીમાં રાહત મળી રહી છે. હવામાન વિભાગે જાહેર કરેલા સવારના ૮.૩૦ વાગ્યા સુધીના તાપમાનના આંકડા અનુસાર રાજ્યમાં ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું છે. પાટનગરનું તાપમાન સવારે ૧૩.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અન્ય સ્થળોના તાપમાન પર નજર કરીએ તો ડીસામાં ૧૪.૧, વડોદરા ૧૪.૬ અને દમણ ૧૪.૮ અને અમદાવાદનું તાપમાન ૧૪.૭ નોંધાયું છે.
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને શીતલહેરનો પ્રકોપ યથાવત છે. રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે આજે વિઝિબિલિટી શૂન્ય પર રેકોર્ડ કરવામાં આવી. જોકે, ગઈકાલે હવામાન સ્વચ્છ હતું અને સૂર્યપ્રકાશના કારણે લોકોએ ઠંડીથી રાહત અનુભવી હતી. પરંતુ આજે ફરી ઉત્તર ભારતના મોટાભાગના ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાઈ હતી.
ગુજરાતમાં ઠંડીમાં ઘડાટો થતા લોકોએ રાહત અનુભવી છે. દરમિયાન દેશના કેટલાક રાજ્યો અને શહેરોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ઠંડીમાં ઘટાડો થયાનું જાણવા મળે છે. દરમિયાન આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન હિમ વર્ષાને પગલે ઉત્તરભારતના કેટલાક શહેરો અને નગરોમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાને કારણે મોટાભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણાથી લઈને બિહાર સુધી આગામી ત્રણ દિવસ સુધી કેટલાક સ્થળોએ હળવું ધુમ્મસ અને અન્ય સ્થળોએ ગાઢ ધુમ્મસ રહેશે. વિભાગે આ અંગે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. ૩૦ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધી પશ્ચિમ હિમાલયની આસપાસના મેદાનોમાં વરસાદની પણ શક્યતા છે.