‘આંતરરાષ્ટ્રીય મજૂર-શ્રમયોગી દિવસ’: શ્રમયોગીઓના કલ્યાણ માટે ‘અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા’ યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
ગત વર્ષે ‘શ્રમિક અન્નપૂર્ણા’ યોજના અંતર્ગત રૂ. ૫૪ કરોડના ખર્ચે કુલ ૧.૧૬ કરોડથી વધુ શ્રમિકોને ભોજન વિતરણ
- વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્ય સરકારના ઇ-નિર્માણ પોર્ટલ પર ૩૦ હજારથી વધુ શ્રમિકોની નોંધણી
- બાંધકામ શ્રમિકોના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને રૂ. ૫૦ હજાર તથા મેડિકલના વિદ્યાર્થીઓને રૂ.૨ લાખ સુધીની શિક્ષણ સહાય
- ‘મોબાઈલ મેડિકલ વાન’ યોજના દ્વારા કુલ ૬ લાખથી વધુ લાભાર્થીઓની વિનામૂલ્યે પ્રાથમિક તબીબી તપાસ-સારવાર
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના લક્ષ્યને સાકાર કરવા સંગઠિત તેમજ અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. સશક્ત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત માટે શ્રમયોગીઓનું સશક્તિકરણ ખૂબ જરૂરી છે, જે અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકાર શ્રમયોગીઓના કલ્યાણ પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને અનેકવિધ નવી યોજનાઓ અમલી બનાવી રહી છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મે માસની ૧લી તારીખે ‘આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ’ કે ‘મે દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં શ્રમયોગીઓની સતત ચિંતા કરીને રાજ્ય સરકાર દ્વારા શ્રમયોગીઓ માટે અનેકવિધ યોજનાઓનું અમલીકરણ સુપેરે કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે શ્રમયોગીઓ માટે પ્રાયોગિક ધોરણે ‘અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા’ યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જે રાજ્ય સરકારની શ્રમયોગીઓના વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ ઉપરાંત બાંધકામ શ્રમિકોની નોંધણી માટે ‘ઈ-નિર્માણ પોર્ટલ’ તેમજ CSC, ઈ-ગ્રામ કેન્દ્ર તથા ધન્વંતરી આરોગ્ય રથ પરથી ઈ-નિર્માણ સ્માર્ટકાર્ડ આપવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં ઇ-નિર્માણ પોર્ટલ પર કુલ ૩૦ હજારથી વધુ શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે.
રાજ્યના શ્રમયોગીઓને તાલીમ, શિક્ષણ અને સંશોધન માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન નામની સ્વાયત્ત સંસ્થાન વિવિધ કાર્યો કરી રહી છે. રાજ્યમાં ‘ધન્વંતરી આરોગ્ય રથ’ યોજના અંતર્ગત બાંધકામ સાઈટ તથા શ્રમિક વસાહતોમાં જઇને પ્રાથમિક આરોગ્ય તપાસ તેમજ બાંધકામ શ્રમિકોની નોંધણી કરવામાં આવે છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪ના ડિસેમ્બર માસ સુધીમાં કુલ ૩૬ લાખ ઓ.પી.ડી. થકી સારવાર પાછળ રૂ. ૩૯ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. શ્રમિકોને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા માત્ર ૫ રૂપિયામાં શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન કરાવવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યના ૧૯ જિલ્લામાં કુલ ૨૯૧ કડિયાનાકા પર ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં રૂ. ૫૪ કરોડના ખર્ચે કુલ ૧.૧૬ કરોડથી વધુ શ્રમિકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું છે.
તદ્પરાંત રાજ્યમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોના બે બાળકો માટે ધોરણ-૧થી પી.એચ.ડી. સુધીના અભ્યાસ માટે શિક્ષણ સહાય તેમજ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને રૂ. ૫૦ હજાર તથા મેડિકલના વિદ્યાર્થીઓને રૂ. ૨ લાખ સુધીની સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે મહિલા બાંધકામ શ્રમિકને પ્રસૂતિ સહાય તેમજ મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મીબોન્ડ યોજના અન્વયે બાંધકામ શ્રમિકની એક દીકરીના નામે રૂ. ૨૫ હજારના બોન્ડ ૧૮ વર્ષની મુદ્દતે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં કુલ ૧,૦૦૦થી વધુ શ્રમિકોને રૂ. ૩.૫૩કરોડની સહાય આપવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોને પોતાના અને પરિવારના કલ્યાણ માટે અનેક યોજનોનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં અકસ્માત મૃત્યુ સહાય યોજના, અંત્યેષ્ઠી સહાય, વ્યવસાયિક રોગમાં સહાય, સંપૂર્ણ તબીબી તપાસ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બિમા યોજના- PMJJBY, શ્રમિક પરિવહન, GO GREEN શ્રમિક, દિવ્યાંગ શ્રમિકો માટે ઇલેક્ટ્રીક ત્રિ-ચક્રી વાહન, શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના, સ્થળાંતરિત થતા શ્રમિકોના બાળકોને માટે હોસ્ટેલ સુવિધા, શ્રમિક બસેરા યોજના જેવી વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે. આ તમામ યોજનાઓમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે નાણાકીય સહાય સીધી ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર-DBT થકી અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
રાજ્ય સરકારના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ‘મોબાઈલ મેડિકલ વાન’ યોજના અંતર્ગત ગત વર્ષ ૨૦૨૪ દરમિયાન રૂ. ૪.૪૧ કરોડના ખર્ચે ૬ લાખથી વધુ લાભાર્થીઓની વિનામૂલ્યે પ્રાથમિક તબીબી તપાસ કરીને જરૂર જણાયે નિ:શૂલ્ક દવાઓ તથા અન્ય પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત શૈક્ષણિક પુરસ્કાર યોજના અંતર્ગત ૭૦થી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને રૂ. ૨,૫૦૦ તેમજ ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓને રૂ. ૫,૦૦૦ સહાય આપવામાં આવે છે.
ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગુજરાત સામૂહિક જૂથ અકસ્માત વિમા યોજના અને અસંગઠિત શ્રમયોગીઓ માટે અંત્યેષ્ઠી સહાય યોજના અંતર્ગત જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં અનુક્રમે રૂ. ૩.૪૩ કરોડ અને રૂ. ૨.૨૮ કરોડથી વધુ સહાય ચૂકવવામાં આવી છે, આ યોજનાઓમાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫થી ૧૦૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યના અકિક વ્યવસાયમાં રોકાયેલા સ્વાશ્રયી વ્યવસાયિકોનું સિલોકોસીસના ગંભીર રોગથી અવસાનના કિસ્સામાં તેઓના વારસદારોને આર્થિક સહાય અંગે સુરક્ષા યોજનામાં જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં કુલ ૨૪ શ્રમયોગીઓને રૂ. ૪૮ લાખની સહાય આપવામાં આવી છે. આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫થી ૩૦૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને એક જ જગ્યાએથી વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે કેન્દ્ર સરકારના ઈ-શ્રમ પોર્ટલ પર રાજ્યના ૧.૨૦ કરોડથી વધુ શ્રમિકોએ પોતાની નોંધણી કરાવી છે.