ગુજરાત ફરી ભૂકંપથી ધણધણ્યુ,૪.૩ની તીવ્રતાના આંચકા
આજે બપોરે રાજ્યના કેટલાક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમા સુરત, વડોદરા, ખેડા અને ભરૂચમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સુરત અને ભરૂતની ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. સુરત અને ભરૂચમા ભૂકંપની તિવ્રતા ૪.૩ની નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી ૩૬ કિ.મી.દૂર માનવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે આજે બપોરે ૩.૪૦ વાગ્યે ભરૂચ અને સુરતમાં ધરતીકંપના આંચકા અનુંભવાયા હતાં. ભૂકંપના આ આંચકાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લોકો પોતાના જીવ બચાવવા ઘરમાંથી બહાર દોડી આવ્યા હતાં. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેત્રંગનું મોટાપાલ ગામ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સદનસીબે ભૂકંપમાં કોઈ જ પ્રકારની જાનહાની થઈ નથી. તેવી જ રીતે કોઈ માલહાની થયાના અહેવાલ પણ હજી સુધી નોંધાયા નથી. આ આંચકા ૪.૩ની તિવ્રતાના હોવાનું નોંધાયુ હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી ૩૬ કિ.મી.દૂર આસપાસના વિસ્તારોમાં ભૂકંપની સૌથી વધારે અસર જાેવા મળી હતી.
બીજી તરફ આણંદમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપ અનુભવાયા હતા. શહેરના રાજશિવાલય વિસ્તારમાં આંચકાઓ અનુભવાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં પણ ભૂકંપ અનુભવાયો હોવાની વાતો વહેતી થઇ છે. જીલ્લા કલેક્ટર દ્વારા ૮ તાલુકાઓ પાસેથી આ અંગેના અહેવાલો મંગાવવામાં આવ્યા હતા.
ઊંચી ઈમારતોમાં રહેતા લોકોને ભૂકંપની અસર વધારે વર્તાઈ હતી. લગભગ સાતમા-આઠમા માળે રહેતા લોકોને ચારેક સેકન્ડ કરતાં વધુ ભૂકંપના આંચકાનો અનુભવ કરવો પડ્યો હતો, જેથી લોકોમાં ડર ફેલાઈ જતાં ઊંચી ઈમારતોમાં રહેતા લોકો નીચે દોડી આવ્યા હતા. જાેકે ભૂકંપના આંચકો સામાન્ય હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેની અસર વડોદરા અને ખેડામાં પણ જાેવા મળી હતી. સાથે જ નર્મદામાં પણ આ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૧માં આવેલા શક્તિશાળી ભૂકંપે કચ્છમાં ભારે વિનાશ વેર્યો હતો. અનેક લોકોના જીવ ગયા હતાં. ત્યાર બાદ ભૂકંપના નાના મોટા આંચકા કચ્છમાં આવતા જ રહે છે.