૪૦૦ કરોડનો ખર્ચ છતાં સાબરમતી નદીમાં લીલ અને ગંદકી
સાબરમતી નદી કે જે સ્વચ્છ કરવાની વાતો જ આપણે સાંભળતા આવ્યા છીએ. AMC ની વાતો વચ્ચે સુભાષબ્રિજ નજીક રેલવે ઓવરબ્રિજ પાસે અડધો કિલોમીટર સુધીના પટ્ટામાં લીલથી ભારે દુર્ગંધ મારે છે. આ લીલથી મચ્છર, જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. જેથી નદીકાંઠાની આસપાસ રહેતા લોકો પર રોગચાળાનો ખતરો છવાયો છે. હવે આ સ્થિતિ રહી-રહીને પાલિકાના ધ્યાને આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આશ્વાસન આપ્યું છે કે નદીની સફાઈ દિવાળી પહેલા પૂર્ણ કરાશે.સફાઈની ઉંચી ઉંચી વાતો કરીને લોકોને આશ્વાસન આપવામાં નંબર લાવવાનો હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ ન પહોંચે.
આ વખતે પણ સાબરમતી નદીમાં સફાઈ ઝુંબેશ જોરદાર ચાલતી હોવાની વાતો કરનારી પાલિકા ખરેખર નદીની સફાઈની વાત આવે ત્યારે પાણીમાં બેસી જાય છે. સાબરમતી નદીમાં લીલ અને ગંદકીનું સામ્રાજ્ય યથાવત છે. જી હા નદીની સ્વચ્છતા માટે ૪૦૦ કરોડનો ખર્ચ છતાં પ્રદુષણ હજુ જેમનું તેમ જ જોવા મળી રહ્યું છે. AMC ની મોટી મોટી વાતો વચ્ચે વાસ્તવિક તસ્વીર કંઇક અલગ જ છે. જણાવી દઈએ કે નદીમાંથી લીલને સાફ કરવા કામગીરી શરૂ કરાઇ છે. ત્યારે દરરોજ ૩૦૦ થી ૪૦૦ ટન લીલ અને કચરો કાઢવામાં આવે છે. લીલને કારણે નદીનું પાણી દુર્ગંધ મારે છે.