દાણીલીમડાના નાના એકમો માટેના સીઇટીપીને એક મહિનાનું એક્સટેન્શન આપી પ્રદૂષણ ફેલાવતા સુએઝ ફાર્મના મોટા એકમોને છાવરવાનો જીપીસીબીનો ખેલ?

  • દાણીલીમડામાં આવેલ પ્રદૂષણ ફેલાવતા CETPને ક્લોઝર ડાયરેક્શન આપાયા બાદ શા માટે જીપીસીબી દ્વારા આપવામાં આવ્યું એક્સટેન્શન.. શું છે કારણ? શા માટે નથી લેવાઇ રહ્યાં નક્કર પગલા?
  • નાની માત્રમાં મંજુરી મળ્યા બાદ બેરોકટોક મોટા જથ્થામાં છોડવામાં આવી રહ્યું એસિડિક ગંદુ પાણી
  • જે ટેક્સટાઇલ એકમો ગંદા પાણીના ટ્રીટમેન્ટનો ખર્ચ બચાવવા માંગતા હતા તેઓ સુએઝ ફાર્મ વિસ્તારમાં તેમના એકમો સ્થાપિત કરેલ છે

અમદાવાદઃ ગંદા પાણીના ટ્રીટમેન્ટનો ખર્ચ બચાવવા માંગતા ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ સુએઝ ફાર્મ વિસ્તારમાં તેમના એકમો સ્થાપિત કરેલ છે, જ્યાં તેઓ અત્યાર સુધી ગંદા પાણીનો નિકાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઈન દ્વારા સાબરમતી નદીમાં કરતા હતા, પરંતુ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ સખત આદેશો બાદ હવે તેઓ અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશનના CETPમાં નિકાલ કરી રહ્યા છે. જોકે, આ ડિસ્ચાર્જ ધારા-ધોરણો પ્રમાણે થતું હોત તો કોઇ પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો, પરંતુ અહીં મોટા ટેક્સટાઇલ એકમો પ્રદૂષિત પાણીને છોડવાની નાની માત્રામાં મંજૂરી મેળવી મોટી માત્રામાં પ્રદૂષિત પાણી સીઇટીપીમાં છોડી રહ્યાં છે.

  • નાના જથ્થાની મંજુરી મળ્યા બાદ બેરોકટોક મોટા જથ્થામાં છોડવામાં આવી રહ્યું એસિડિક ગંદુ પાણી

અમદાવાદના દાણીલીમડા અને બેહરામપુરા વિસ્તારના નાના હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એકમો દ્વારા એસોસિએશન બનાવવામાં આવ્યું છે. આ એસોસિએશન દ્વારા સરકારના દરેક સ્તરે રજૂઆતો કરી તેમના એકમો દ્વારા નીકળતા એસેડિક ગંદા પાણીને શુદ્ધ કરી સાબરમતી નદીમાં છોડવા માટે CETP બનાવામાં આવ્યું છે. પરંતુ અહીં નાના એકમોની આડમાં સુએઝ ફાર્મના મોટા એકમો એ એસેડિક ગંદા પાણીના નાના જથ્થાનું CETPમાં બુકિંગ બતાવી જીપીસીબીની મંજુરી મેળવવાનો તખ્તો તૈયાર કરેલ છે. માત્ર CTE/CCA એમેન્ડમેન્ટ ની  અરજી કરીને બેરોકટોક મોટા જથ્થામાં એસિડિક ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સાબરમતી નદીને પ્રદૂષણમુક્ત કરવાનો છેદ ઉડી જતો જોવા મળી રહ્યો છે. જોકે, આ સ્થિતિ અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિયેશનના મૂળ નાના એકમોના ભોગે સુએઝ ફાર્મ સ્થિત મોટા એકમો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી રહેલ હોય તેવું જોવા મળી રહ્યું છે.

  • સીઇટીપીમાં ક્ષમતા કરતા વધુ પાણી છોડાઇ રહ્યું છે

સુએઝ ફાર્મ સ્થિત માત્ર ત્રણ ટેક્સટાઇલ એકમોને અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિયેશનના CETPમાં એસેડિક ગંદુ પાણી છોડવા માટેની મંજુરી મળેલ છે. તેમ છતાં હાલમાં 30 એમએલડીની ક્ષમતા કરતા વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ, કયા એકમો દ્વારા કયા ધારા-ધોરણો મુજબનું પાણી કેટલા જથ્થામાં છોડવામાં આવી રહ્યું છે, તેનું મોનીટરીંગ કરવાની કોઈ વ્યવસ્થા જવાબદાર તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી.

  • 30 દિવસની અસરથી ક્લોઝર ડાયરેક્શન બાદ એક મહિનાનું એક્સટેન્શન

CETPના ઓપરેટર M/s L&T દ્વારા પણ એસોસિયેશનને આ અંગે તેમજ એસિડિક પાણી આવવા અંગે જણાવવામાં આવેલ છે. વધુ પડતું એસિડિક પાણી આવવાના કારણે CETP પણ પૂર્ણ રીતે કાર્યરત થઇ શકતો નથી. જીપીસીબી દ્વારા CETPની સ્થળ તપાસ કરતા ગંદા પાણીના ઇનલેટ-આઉટલેટના ધારાધોરણો જળવાતા ના હોવાનું જણાયેલ છે. તેમજ ટર્સરી પ્લાન્ટ બંધ હોવાનું જણાયેલ છે, જેના કારણે જીપીસીબી દ્વારા 30 દિવસની અસરથી ક્લોઝર ડાયરેક્શન અપાયા બાદ વધુ એક મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. ભૂતકાળમાં પણ જીપીસીબી દ્વારા અન્ય CETPને આ પ્રકારની અનેક નોટિસ આપવામાં આવેલ હતી, પરંતુ કોઈ નક્કર પગલા લેવામાં આવેલ ન હતા. ત્યારે જીપીસીબી દ્વારા અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિયેશને વધુ એક એક્સટેન્શન અપાતા ‘તારીખ પે તારીખ’ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, વધુ એકવાર એક્સટેન્શન આપવાનો જીપીસીબીનો આ નિર્ણય શું અંતિમ નિર્ણય હશે કે પછી આ જ નિર્ણયનું પુર્નરાવર્તન જોવા મળશે તે પ્રશ્નનો જવાબ તો સમય જ આપી શકશે. જોકે, અમદાવાદની ઓળખ સાબરમતી નદીને પ્રદૂષણમુક્ત કરવાની દોડ પોતાની મંજીલથી ભટકી રહી હોય તેવી સ્થિતિ આ નિર્ણયથી પેદા થઇ છે.

ગત મહિને દેવભૂમિ દ્વારકાના કારૂંગામાં પ્રદૂષણને લઇને બેદરકારી દાખવનાર જીપીસીબીના જવાબદાર અધિકારીઓ પાસેથી દંડ વસૂલ કરવાનો આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો, તેમ છતાં પણ સાબરમતી નદીને પ્રદૂષણમુક્ત કરવા માટે જવાબદાર તંત્રના અધિકારીઓ બેદરકારી દાખવી રહ્યાં છે.

  • ઇચ્છા શક્તિ

જીપીસીબી ખરેખર જો સાબરમતી નદીને પ્રદૂષણમુક્ત કરવા ઇચ્છતી હોતી તો અમદાવાદ સ્ક્રિન પ્રિન્ટિંગ એસોસિયેશનને મૂળ સભ્યો સિવાયના તમામ જોડાણો બંધ કરાવી CETPમાં આવતો ગંદા પાણીનો જથ્થો નિર્ધારિત ધારાધોરણનો અને નિર્ધારિત જથ્થા સુધી સીમિત કરાવી શકે છે. જોકે, તે માટે ઇચ્છા શક્તિ હોવી પણ જરૂરી પાસુ છે.

*File Photo