પડ્યા પર પાટુઃ સરકારે અનિલ અંબાણીને ૯૨૨ કરોડની ટેક્સ નોટિસ મોકલી
નવીદિલ્હીઃ અનિલ અંબાણીની સ્થિતી પડ્યા ઉપર પાટુ જેવી થઇ ગઇ છે, ફરી એક વાર અનિલ અંબાણીને આંચકો લાગ્યો છે, સરકાર દ્વારા તેમને કુલ ૯૨૨.૫૮ કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મોકલવામાં આવી છે. GST ચોરી અને બાકી લેણાં પર નજર રાખનાર DGGIએ અનિલ અંબાણીને ૪ અલગ-અલગ નોટિસ ફટકારવામાં આવી છે. તેમને આ નોટિસ રિલાયન્સ કેપિટલના એકમ રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની સાથે સંબંધિત વ્યવહારો પર મળી છે.
સમગ્ર મામલો જણાવીએ, ડિરેક્ટોરેટ જનરલ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI) એ રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની (RGIC)ને રિ-ઇન્શ્યોરન્સ કમિશન અને કો-ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર GST સંબંધિત નોટિસ ફટકારી છે. આ સાથે અનિલ અંબાણીની આ વીમા કંપનીએ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લીધો, રિ-ઇન્શ્યોરન્સ સેવાઓ આયાત કરી પરંતુ તેનો GST ચૂકવ્યો નહીં. જેના કારણે કંપનીને નોટિસ મોકલવામાં આવી છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ડીજીજીઆઈએ અનિલ અંબાણીને ૪ નોટિસ મોકલી છે. જેમાં તેમની પાસેથી રૂ. ૪૭૮.૮૪ કરોડ, રૂ. ૩૫૯.૭૦ કરોડ, રૂ. ૭૮.૬૬ કરોડ અને રૂ. ૫.૩૮ કરોડના જીએસટી લેણાંની માંગણી કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીએ તેના ત્રિમાસિક પરિણામોમાં આ માહિતી આપવી પડશે.
અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ હાલમાં NCLT કાર્યવાહીનો સામનો કરી રહી છે. ઉલ્લેખનીય છે કંપની પહેલાથી જ દેવાનો ભારે બોજ તળે દટાયેલી છે. રિલાયન્સ કેપિટલનું સૌથી મોટું એકમ રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ છે. રિલાયન્સ કેપિટલના મૂલ્યના ૭૦ ટકા માત્ર રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ છે. અનિલ અંબાણી લાંબા સમયથી મુશ્કેલીમાં છે. ગત વખતે તેમની ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સંબંધિત એક કેસમાં તેમના પર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ ચૂકવવાનું દબાણ હતું. જો તેણે આમ ન કર્યું તો તે જેલ જવાની અણી પર હતા, ત્યારે તેમના મોટાભાઈ મુકેશ અંબાણી તેની મદદ માટે આગળ આવ્યા.