ચીનના મધ્યન હેનાન પ્રાંતમાં વરસાદ-પૂરનો કહેરઃ ૧૨ના મોત, ૨ લાખ લોકોને બચાવાયા
ચીનના મધ્ય હેનાન પ્રાંતમાં વરસાદ અને પૂરના કારણે ઘટેલી દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે અને લગભગ બે લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. શહેરના રસ્તાઓ પાણીમાં ડૂબેલા છે અને વીડિયોમાં ગાડીઓ તરતી નજરે ચડે છે. આ બાજુ સબવે ટનલમાં પાણી ભરાઈ જવાથી તળાવ જેવો નજારો જોવા મળે છે.
સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યાં મુજબ હેનાનના હવામાન ખાતાએ જણાવ્યું કે પ્રાંતીય રાજધાની ઝેંગઝોઉમાં મંગળવારે સાંજે ચારથી પાંચ વાગ્યા વચ્ચે રેકોર્ડ ૨૦૧.૯ મિલિમીટર વરસાદ પડ્યો. ઝેંગઝોઉ નગર કેન્દ્રમાં મંગળવારે ૨૪ કલાકમાં સરેરાશ ૪૫૭.૫ મિમી વરસાદ પડ્યો. હવામાન મામલે રેકોર્ડ રાખવાની શરૂઆત થઈ ત્યારબાદથી શહેરમાં લગભગ એક હજાર વર્ષમાં પહેલીવાર આટલો ભીષણ વરસાદ પડ્યો છે.
ખબરમાં જણાવાયું છે કે પૂર સંલગ્ન દુર્ઘટનાઓમાં ૧૨ લોકોના મોત થયા છે. જ્યારે લગભગ બે લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને ટ્રાફિક ઠપ થયો છે. લગભગ ૮૦થી વધુ બસ સર્વિસને સસ્પેન્ડ કરવી પડી. આ ઉપરાંત ૧૦૦થી વધુ રૂટ ડાયવર્ટ કરાયા છે.
પાણી ભરાવવાના કારણે સબવે સર્વિસ પણ અસ્થાયી રીતે બંધ કરાઈ છે. વરસાદના પાણી શહેરની લાઈન ફાઈવની સબવે સુરંગમાં જતું રહ્યું જેના કારણે એક ટ્રેનમાં અનેક મુસાફરો ફસાઈ ગયા. મુસાફરોને પાણીમાં ડૂબીને સફર કરવી પડે છે.
હાલાત પર કાબૂ મેળવવા માટે પોલીસ અધિકારીઓ, ફાયરકર્મીઓ અને અન્ય સ્થાનિક લોકો ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગ્યા છે. સબવેમાં પાણી ઓછું થઈ રહ્યું છે અને હાલ મુસાફરો સુરક્ષિત છે. ઝેંગઝોઉ રેલવે સ્ટેશન પર ૧૬૦થી વધુ ટ્રેનો રોકવામાં આવી. અહીં હવામાન ખરાબ હોવાના કારણે ઝેંગઝોઉના એરપોર્ટ પર શહેર આવતી જતી ૨૬૦ ફ્લાઈટ્સ રદ કરાઈ છે.