ગોતાના એએમસી પાર્કિંગ પ્લોટમાં આગ, ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે
અમદાવાદ શહેરમાં ગોતા બ્રિજ નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં આગની ઘટના બનવા પામી છે. ગોતા વોર્ડમાં આવેલા એએમસીના પાર્કિંગ પ્લોટમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.
અમદાવાદ શહેરના નવા પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં આવેલા એએમસી પાર્કિંગ પ્લોટમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગના કારણે પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરેલા 20થી વધુ ટુવ્હીલર આગની ચપેટમાં આવી ગયા હતા, જેને લઇને દોડધામ મચી જવા પામી હતી. એક સાથે 20થી વધુ ટુવ્હીલરમાં આગ લાગતા આગે ભિષણ બની હતી. જેથી આકાશમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગનો કોલ મળતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ વાહનોને નુક્શાન પહોંચે તે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આગ કેવી રીતે લાગી તે વિશેનું કારણ જાણી શકાયું નથી.