ગોતા નજીક શ્રીજી એસ્ટેટમાં ફર્નિચરના ગોડાઉનમાં આગ, ફાયરબ્રિગેડની ૧૨ ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના એસજી હાઇવે પર ગોતા નજીક શ્રીજી એસ્ટેટમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ફાયરબ્રિગેડની ૧૨ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે. ફર્નિચરમાં આગ લાગી હોવાના કારણે આગ વધુ પ્રસરી છે. આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી. રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોનાં જાન-માલ-મિલકતને આગથી સંરક્ષણ અપાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ૨૦૨૦ના ઓક્ટોબરમાં જ એક મહત્ત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો હતો.
રાજ્યમાં દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ, ઊંચાં મકાનો, વાણિજ્ય સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટીનું એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને એનું રિન્યુઅલ ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર આ હેતુસર પ્રાઇવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે. આવા ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી દરેક મકાનમાલિક, કબજેદાર, ફેક્ટરીધારકે એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને એને રિન્યુ કરાવવું પડશે.
આ માટે ખાનગી યુવા એન્જિનિયર્સને સરકાર નિર્દિષ્ટ તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા મંજૂરી આપશે. ગુજરાતમાં ફેબ્રુઆરી ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૦ સુધી ૧૧ મહિનામાં આગ લાગવાના ૧૪ બનાવો બન્યા અને તેમાં ૪૦ લોકોનાં મોત થયાં. એ ઉપરાંત આ પ્રકારના બનાવોમાં ૧૭૨ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અમદાવાદ પીરાણા ખાતે સાહિલ એન્ટરપ્રાઈઝમાં આગનો બનાવ બન્ચા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સફાળું જાગ્યું હતું અને ૪૦ જેટલી ફેક્ટરીઓ, કેમિકલ ગોડાઉનો બંધ કરાવ્યાં હતા.