મુંબઈની ૯૦ બિલ્ડીંગને ફાયર બ્રિગેડની નોટિસ
મહારાષ્ટ્ર ફાયર એકટ મુજબ પ્રત્યેક હાઉસિંગ સોસાયટીને ફાયરફાઇટિંગ સિસ્ટમની ખામીઓના સમારકામ માટે વધુમાં વધુ ૧૨૦ દિવસ અપાય છે. આ કામગીરી ૩૦ દિવસમાં શરૃ ન કરાય તો સોસાયટી સામે પ્રતિબંધક પગલાં લેવાય છે.
મહાનગર મુંબઇમાં ઇમારતોમાં આગની વધતી જતી ઘટનાઓ અટકાવવા માટેના એક આગોતરા પગલામાં મુંબઇ ફાયર બ્રિગેડ (એમએફબી)એ ૨૪ પાલિકા વોર્ડના ૯૦ રેસિડેન્શિયલ બિલ્ડીંગોને ફાયર સફ્ટિ (આગ સામેની સુરક્ષા)ના નિયમોનું પાલન નહીં કરવા બદલ છેલ્લા બે સપ્તાહમાં નોટિસ આપી છે. એમએફબીના અધિકારીઓની એક વિશેષ ટીમ વોર્ડ સ્તરે ઇન્સ્પેક્શન (જાત તપાસ) માટે નિયમીત પણે બિલ્ડીંગોની મુલાકાત લે છે. છેલ્લા બે માસમાં મુંબઇમાં આગની એકથી વધુ ઘટના બનતી આ ઉગ્ર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
એમએફબી ઇચ્છે છે કે તમામ રેસિડેન્શિયલ ઇમારતોમાં ફાયર સેફ્ટિ નિયમોનું યોગ્ય પણે પાલન થાય તથા આગ બુઝાવવાનાં તમામ સાધનો ઉપયોગમાં લેવાવાની સ્થિતિમાં રખાય. અનેક બહુમાળી બિલ્ડિંગોમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમ બંધ હોવાનું, નબળી ગુણવત્તાની પાણીની પાઇપો હોવાનું તથા કેટલાંય વર્ષોથી ફાયર સિસ્ટમની જાળવણીની કામગીરી કરાઇ ન હોવાનું જાણીને અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં.