અમદાવાદમાં નવરંગપુરા સ્ટેડિયમ પાસે ફરસાણની દુકાન સહિત ત્રણ દુકાનોમાં આગ
શહેરના નવરંગપુરા સ્ટેડિયમ રોડ પાસે આવેલી મહારાજા સમોસા સેન્ટર સહિત ત્રણ દુકાનોમાં બુધવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ પર કાબુ મેળવા માટે ફાયર વિભાગની ૧૮ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ કરી હતી. આ ભીષણ આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજી સામે આવ્યું નથી. આ આગમાં અંદર ફસાયેલા ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગ એટલી ભીષણ હતી કે આસપાસનાં વિસ્તારોમાં ડરનો માહોલ છવાયો હતો. આગની વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિકો મોટી સંખ્યામાં અહીં આવી ગયા હતા.
વહેલી સવારે આશરે સવા છ કલાકેફાયર બ્રિગેડને જાણ થતા જ ફાયર બ્રિગેડની ૧૮ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ આગ પર કાબુ મેળવવા માટે એક લાખથી વધુ લીટર પાણીનો મારો ચલાવાયો હતો.
અમદાવાદનાં ચીફ ફાયર ઓફિસર, રાજેશ ભટ્ટનાં જણાવ્યાં પ્રમાણે, ત્રણ દુકાનો એકસાથે છે તેમાં આગ લાગી છે. શોર્ટસર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે. નીચે દુકાનો છે અને ઉપર રેસિડન્સ હતા. દુકાનની ઉપર ચાર મહિલા અને ચાર પુરુષ ફસાયા હતા, આ ૮ લોકોને સહી સલામત બહાર લાવવામાં આવ્યા છે.