છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, માલણપુર ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાની માગ કરી
બોટાદ: રાજ્યમાં લગભગ છેલ્લા ૨૫ દિવસથી વરસાદ ખેંચાયો છે. જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વાત કરીએ બોટાદના રાણપુર તાલુકાની. તો અહીં આવેલા માલણપુર ગામ પાસેથી પસાર થતી કેનાલમાં પાણી છોડવા ખેડૂતોએ માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદ નહીં આવવાથી પાક સુકાઈ રહ્યો છે. આ સંજાગોમાં જો આગામી ૧૦ દિવસમાં કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન જશે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
બોટાદ જિલ્લામાં કપાસનું મોટાપ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. આંકડા પર નજર કરીએ તો ૧ લાખ ૪૯ હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા એક માસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોને હાલ પાણીની તાતી જરૂરિયાત છે. આ સ્થિતિમાં ખેડૂતો તંત્રને નહેરમાં પાણી છોડવા માટે રજૂઆત કરી રહ્યા છે.