નર્મદાના પાણીની માંગ સાથે પાલનપુરમાં ખેડૂતોની રેલી
વડગામ તાલુકાના ખેડૂતો છેલ્લા ૨૫ વર્ષથી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની માગ કરી રહ્યા છે. જોકે, આજદીન સુધી આ માગ ન સંતોષાતા ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાલનપુર અને વડગામ તાલુકામાં પાણીની સમસ્યા વિકટ છે, ત્યારે પાલનપુર અને વડગામ તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળી રહે એ હેતુથી છેલ્લા ૨૫ વર્ષથી વડગામ તાલુકાનું કરમાવદ તળાવ ભરવાની માગ ખેડૂતો કરી રહ્યા છે.
આ તળાવ ભરવાની માગ છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહી હતી, પરંતું આ માગ આજદીન સુધી ન સંતોષાતા એક માસ અગાઉ કરમાવદ તળાવમાં કળશ પૂજન કરી અને ખેડૂતોએ જળ આંદોલનના મંડાણ કર્યા હતા. આ દરમિયાન વડગામ અને પાલનપુર તાલુકાના ૧૨૫ ગામડાઓમાં સમર્થન સભાઓ યોજી અને ખેડૂતોને રેલીમાં જોડાવા માટે આહવાન કરાયું હતું. ત્યારે આજે ૧૨૫ ગામના ૨૫ હજાર જેટલા ખેડૂતોએ રેલી સ્વરૂપે પાલનપુર પહોંચી અને પાલનપુર આદર્શ હાઇસ્કુલથી કલેક્ટર કચેરી સુધી બે કિલોમીટરની મહારેલી યોજી હતી. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તળાવમાં પાણી ભરવાની રજૂઆત કરી હતી.
ખેડૂતોની રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટરે ખેડૂતોને બાંહેધરી આપી હતી. કરમાવદ તળાવમાં પાણી ભરાય તે માટે તમામ પ્રયત્નોની કલેક્ટરે ખાતરી પણ આપી હતી. કરમાવદ તળાવમાં પાણી ભરવા માટે ફોરેસ્ટ વિભાગની તાંત્રિક મંજૂરીની પણ જરૂર પડતી હોય છે ત્યારે કલેક્ટર ખેડૂતોની માગણી સરકાર સુધી પહોંચાડશે અને ખેડૂતોના હિતમાં ર્નિણય આવે તેવા પ્રયત્નો કરાશે. છેલ્લા એક માસથી જળ આંદોલન માટે ખેડૂતોએ ગામેગામ સભાઓ યોજી હતી. ત્યારે ખેડૂતોના જળ આંદોલનમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા.
અંદાજે ૨૫ હજાર જેટલા ખેડૂતોએ મહારેલીમાં જોડાઈ અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે. આ બાબતે જિલ્લા કલેક્ટરે પણ ખેડૂતોના પાણીના પ્રશ્નને લઇ સરકાર સુધી રજૂઆત પહોંચાડી તમામ પ્રયત્નો ની ખાતરી આપી હતી.વડગામ તાલુકાનું કરમાવદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી ભરવાની માંગને લઈને કિસાન સંઘનાં નેજા હેઠળ હજારોની સંખ્યામાં ખેડૂતોએ પાલનપુરમાં રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી કરમાવદ તળાવમાં પાણી ભરવાની માંગ કરી રહ્યા હતા. જોકે, આ માંગણી ન સંતોષાતા આખરે ખેડૂતોએ જળ આંદોલનનો રસ્તો અપનાવ્યો હતો. આજે ૧૨૫ ગામના ૨૫ હજારથી વધુ ખેડૂતોએ ટ્રેક્ટર સાથે પાલનપુર શહેરમાં મહારેલી યોજી હતી. ખેડૂતોએ પાલનપુરની આદર્શ હાઈસ્કૂલથી કલેક્ટર કચેરી સુધી બે કિલોમીટરની રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપી તળાવ ભરવાની માગ કરી હતી.