કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકની નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા
ડિઝાસ્ટર વિભાગ દ્રારા નોંધાયેલ વરસાદી આંકડા મુજબ બુધવારે વહેલી સવારે ૪થી બે કલાકની અંદર ફક્ત નડિયાદમાં ૫ MM નોંધાયેલો છે. જ્યારે સવારે ૬થી ૮ વાગ્યાની વચ્ચે કપડવંજમાં ૨ MM, ખેડામાં ૨ MM, ઠાસરામાં ૧ MM, નડિયાદમાં ૧ MM, માતરમાં ૧ MM નોંધાયો છે. જ્યારે ૮થી સવારે ૧૦ વાગ્યા સુધી ગળતેશ્વર ૧ MM, નડિયાદમાં ૨ MM વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકામાં પણ છૂટાછવાયા જાપટાઓ પડ્યા છે. ઉપરોક્ત આંકડાઓ પ્રમાણે જોઈએ તો વહેલી પરોઢિયેથી સવારે ૧૦ વાગ્યા સુધી નડિયાદમાં સૌથી વધુ વરસાદ ૮ MM પડ્યો છે. આમ સમગ્ર જિલ્લામાં આજે વરસાદી વાતાવરણ રહેવા પામ્યું છે. ખેડા જિલ્લામાં આગાહીના પગલે બુધવાર વહેલી સવારથી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. તો આ અગાઉ એટલે કે મંગળવારે સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. આજે સવારથીજ ધીમી ધારે વરસેલા વરસાદના કારણે કારતકમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. જ્યારે નોકરિયાત વર્ગ, વિદ્યાર્થી વર્ગને પોતાની સાથે જેકેટ, સ્વેટરની જગ્યાએ છત્રી અને રેઈનકોટનો સહારો લેવો પડ્યો હતો.
તો બીજી બાજુ ઘરમાં માળીયામાં મૂકેલા રેઈનકોટ અને છત્રીઓને ફંફોડી ઉપયોગ કરવા જીલ્લા વાસીઓને મજબુર થવુ પડ્યું હતું. તો આ વચ્ચે ઠંડા પવનો પણ વાતા જિલ્લામાં એકી સાથે ત્રણ ઋતુનો અનુભવ થયો છે. સમગ્ર રાજ્યમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં માવઠાનું જોખમ તોડાઈ રહ્યું હતું. રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે. ખેડા જિલ્લામાં વહેલી પરોઢીયે કમોસમી વરસાદ વરસતાં ધરતીપુત્રો સહિત લોકોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. આ વરસાદી ઝાપટાથી શિયાળું પાકને નુકસાન થવાની શક્યતા ઊભી થઈ છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ચૂકી છે. જો વધારે વરસાદ પડશે તો ખેડૂતો ઘરના કે ઘાટના રહેશે નહી એક લીટીમાં કહીએ તો ખેડૂતોને ચોંધાર આંસુએ રડવાનો વારો આવશે. શિયાળુ પાકને નુકસાન થતાં આ વર્ગ પાયમાલ થશે અને શિયાળુ પાકના ભાવોમાં પણ વધારો થતાં જેની સીધી અસર મધ્યમવર્ગના પરિવારને પડશે.