દેશમાં પ્રદુષિત શહેરનમાં પ્રથમ નંબરે હરિયાણાનું ફરીદાબાદ
દેશના ૨૫ શહેરોની હવા ગંભીર અથવા ખૂબ જ ખરાબ છે. જેમાંથી મોટા ભાગના શહેર હરિયાણા અને ઉત્તર પ્રદેશના છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને નિર્માણ કાર્ય પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ઉલ્લેખનીય છે કે ૦ થી ૫૦વચ્ચેના એક્યુઆઇને સૌથી સારો ગણવમાં આવે છે. જ્યારે ૫૧ થી ૧૦૦ વચ્ચેના એક્યુઆઇને સંતોષકારક, ૧૦૧ થી ૨૦૦ વચ્ચેના એક્યુઆઇને મધ્યમ, ૨૦૧થી ૩૦૦ વચ્ચેના એક્યુઆઇે ખરાબ, ૩૦૧થી ૪૦૦ વચ્ચેના એક્યુઆઇને ખૂબ જ ખરાબ ગણવામાં આવે છે. જ્યારે ૪૦૧થી ૫૦૦ વચ્ચેના એક્યુઆઇને ગંભીર ગણવામાં આવે છે. દિલ્હીમાં પ્રદૂષણ અંકુશમાં આવી રહ્યું નથી. આજે સવારે દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં દિલ્હી બીજા ક્રમે રહ્યું હતું. એર ક્વાલિટી ઇન્ડેક્સ અનુસાર દિલ્હીની હવા ખૂબ જ ખરાબ હતી.
જો કે એક દિવસ પહેલા દિલ્હીની હવા વધારે ઝેરી હતી. જેમા સામાન્ય સુધારો જોવા મળ્યો છે. દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં ફરીદાબાદ પ્રથમ ક્રમે હતું. ટોચના દસ શહેરોમાં પાંચ હરિયાણાના અને ઉત્તર પ્રદેશના ચાર શહેરો હતાં. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આ વર્ષનું નવેમ્બર છેલ્લા ચાર વર્ષોનું સૌથી પ્રદૂષિત રહ્યું છે. વર્ષ ૨૦૧૮ના નવમ્બરની સરખામણીમાં ચાલુ વર્ષના નવેમ્બરમાં દિલ્હીનું પ્રદૂષણ ૨૦ ટકા વધારે છે. દિવાળી પછી દિલ્હીના લોકો પ્રદૂષિત હવામાં શ્વાસ લઇ રહ્યાં છે.
નવેમ્બરમાં ફક્ત એક જ દિવસ એવો રહ્યો છે કે જ્યારે એક્યુઆઇ ૩૦૦થી નીચે રહ્યું છે. ૨૦૧૮ના નવેમ્બરમાં સરેરાશ એક્યુઆઇ ૨૦૨, ૨૦૧૯ના નવેમ્બરમાં સરેરાશ એક્યુઆઇ ૨૦૪, ૨૦૨૦ના નવેમ્બરમાં સરેરાશ એક્યુઆઇ ૨૧૭ અને ૨૦૨૧ના નવેમ્બરમાં સરેરાશ એેક્યુઆઇ ૨૪૬ રહ્યું છે. આજે દેશનું સૌથી પ્રદૂષિત શહેર ફરીદાબાદ હતું જેનો એક્યુઆઇ ૪૦૧ હતો. ૩૯૭ એક્યુઆઇ સાથે દિલ્હી બીજા ક્રમે, ૩૭૯ એક્યુઆઇ સાથે મેરઠ ત્રીજા ક્રમે, ૩૭૫ સાથે બાગપત ચોથા ક્રમે, ૩૭૫ સાથે બહાદુરગઢ પાંચમાં ક્રમે, જીંદ ૩૬૯ સાથે છઠ્ઠા ક્રમે, ૩૬૭ સાથે હિસાર સાતમા ક્રમે, ૩૫૬ સાથે નોઇડા આઠમા ક્રમે, ૩૫૫ સાથે સિંગરોલી નવમા ક્રમે અને ૩૫૫ સાથે ગુરુગ્રામ દસમા ક્રમે રહ્યું છે.