સનખડાનાં માલણ વિસ્તારમાં ૩૫ ફોજીનો પરિવાર હજુય અંધારામાં, તાઉતે બાદ વીજળી જ નથી આવી
ઊનાથી ૨૦ કિમીઅંતરે આવેલા ગોહીલ દરબારની વધુ વસ્તી ધરાવતા સનખડા ગામ અને તે ગામથી ૨ કિમી અંતરે આવેલા માલણ વિસ્તારમાં ૧૫૦૦ જેટલા પરીવારોની વસ્તી ખેતીવાડી વ્યવસાય કરી પરીવારો સાથે વસવાટ કરે છે. ગત તા. ૧૭ મેના વાવાઝોડાએ ભારે તબાહી મચાવી દેતા આ વિસ્તારમાં બાગાયતી વૃક્ષો જમીન પડી ગયા હતાં. મકાન અને ઢાળીયાના પતરા છાંપરા, વિજ પોલ પડી ગયા હતાં. પરંતુ એક માસ જેટલો સમય થવા છતાં પણ માલણ વિસ્તારમાં કોઇ અધિકારી કે તંત્ર દ્વારા નિમણુક કરેલી સર્વે ટીમ પહોચી નથી. સહાય પણ ચુકવાય નથી.
સનખડા અને માલણનેશ વિસ્તારમાંથી ૩૫ જેટલા જવાનો આર્મીમાં જાેડાયેલા છે. દેશના સીમાડે માં ભોમની રક્ષા કરી રહ્યા છે. તેમના પરીવાર પર આભ ફાટ્યું છે. સંતાનોના અભ્યાસ બગડી રહ્યો છે. સીમ શાળા બાજુમાં આવેલી છે,પરંતુ તેમાં પણ ભારે નુકસાન થતાં શિક્ષણ મેળવવું મુશ્કેલ છે. ખેડૂતો વિજળીના અભાવે ખેતી કરી શકે તેમ નથી. ઝૂપડા, મકાનોના નળીયા પતરા પણ મળતા નથી, તેથી રહેવાનો આશરો ખુલ્લો છે. માલણ વિસ્તારમાં અંદાજીત ૩૦૦થી વધુ ખેડૂતોની જમીન આવેલી છે,અને ૧૫૦૦થી વધુ વસ્તી હોય ૨૦૦થી વધુ બાળકોએ નિશાળે જવાનું છોડી દીધુ છે.
બિપીનભાઇ જોરૂભાઇ ગોહીલએ જણાવ્યું, અમારા પરીવારના ૮ સભ્ય આર્મીની વિવિધ પોસ્ટ પર ફરજ બજાવે છે. ગામના કુલ ૩૫ જેટલા જવાનો દેશની સરહદે તૈનાત છે. મકાનો વાડી વિસ્તારમાં આવેલા છે. લાઇટના અભાવે મુશ્કેલી ભોગવી રહ્યા છે.
ધુસાભાઇ ગોહીલના ૧૦ ભાઇઓનું ૧૫૦ વ્યક્તિનું આખુ પરીવાર માલણમાં વસવાટ કરે છે. વાવાઝોડાએ ભારે નુકશાન કર્યુ છે. છતાં કોઇ પુછવા આવેલ નથી. અને સહાય પણ આપી નથી. ખેતી પર પરીવારનો નિભાવ ચાલે છે. લાઇટ ન હોવાથી પશુધન પણ તરસ્યા રહે છે. દોરડા બાંધી કુવામાંથી પાણી મેળવીએ છીએ.
માલુબેન ગોહીલ જણાવ્યું, વાવાઝોડા પછી ૧૭ મેથી પાવર બંધ થતાં દિવો કરીને તેમના પરીવારની રાત દિવસ સુરક્ષા કરી રહ્યા છે. માલણમાં સિંહોની અવર જવર રહે છે. સરકારી રાશન પણ મળતુ નથી. અને કેરોસીન પણ ન મળવાના કારણે તેલનાન દિવા કરી પ્રકાશ મેળવી દિવસો કાઢી રહ્યા છે.
નાનુભાઇ ગોહીલએ જણાવ્યું, ત્રણ દિવસ તો ગોળ, બાફેલ બાજરો ખાઇ ભુખના દિવસો કાઢ્યા. સહાય મળી નથી. કોઇ રાજકીય નેતા અધિકારીઓ ડોકાયા નથી કુવામાં પાણી છે, ડિઝલ મશીન પોસાતુ નથી એટલે ધર પુરતુ અનાજ અને પશુ પુરતુ પાણી અવેડામાં ભરી મશીન બંધ કરી દઇએ છીએ.