વડનગરમાં ૧ હજાર વર્ષ પહેલાં થયેલા ભુકંપના પુરાવા મળ્યા
ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર ભૂકંપ ઝોનમાં નથી આવતો. આમ છતાં, અહીં ભૂકંપ કેમ આવ્યો તે અંગે એક ટીમ સંશોધન કરી રહી છે. વડનગરમાં આવેલા આ ભૂકંપને લીધે જમીન ફાટવાની આ પ્રથમ ઘટના કહી શકાય. આ ઘટનાનો સંભવિત સમયગાળો ઈસ. પાંચમીથી દસમી સદી અથવા ગુજરાતના ઈતિહાસનો ક્ષત્રપ પછીનો સમયગાળો છે. આ અંગે સિસ્મોલોજિકલ રિસર્ચ સંસ્થાના એક્ટિવ ટેક્ટોનિક્સ વિભાગના વિજ્ઞાની ડૉ. સિદ્ધાર્થ પ્રિઝોમવાલાએ જણાવે છે કે, પુરાતત્ત્વ વિભાગના ખોદકામમાં એક લાઇનમાં તિરાડ દેખાઇ હતી. તે જાણવા અમે સરવે શરૂ કર્યો છે. અત્યાર સુધીના સરવે પ્રમાણે, અમારું અનુમાન છે કે, એક હજાર વર્ષ પહેલા એટલે કે દસમી સદીમાં વડનગરમાં મોટો ભૂકંપ આવ્યો હોવાના અવશેષો મળ્યા છે. આ ભૂકંપ ૬થી ૬.૫ની તીવ્રતાનો હશે.
અહીં એ વાત ખાસ મહત્ત્વની છે કે, હાલ કચ્છ અને ક્યારેક સૌરાષ્ટ્રમાં વધુ તીવ્રતાના ભૂકંપ આવતાં હોય છે, પરંતુ સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં શક્તિશાળી ભૂકંપ આવતાં નથી. વડનગરમાં મળેલા અવશેષો પરથી એક તારણ એ પણ નીકળ્યું છે કે, ભૂતકાળમાં આ વિસ્તાર પણ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રહ્યું હશે.
જમીન ફાટવાના કારણે ભૂકંપ થયો હોવાના પુરાવા મળ્યા વડનગરમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેનું કારણ જમીન પરની સપાટી ફાટી તે હતું. જ્યાં જમીનનો ભાગ વિસ્થાપિત થાય છે, તેના પુરાવા અમને સપાટીની નજીક બે સ્વરૂપમાં મળ્યા છે. એક ધરાશાયી થયેલી દીવાલ અને બીજો ખોદાયેલા સ્તરોમાં. આ દિશામાં સંશોધન હજુ ચાલુ છે. – ડૉ. સિદ્ધાર્થ પ્રિઝોમવાળા, ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ વડનગરમાં આશરે ૨૬૦૦ વર્ષથી લોકો રહે છે. દસમી સદીના ભૂકંપ પછી અહીંના લોકોએ તાત્કાલિક ઘર બનાવવાની પદ્ધતિ બદલી નાંખી હતી. ભૂકંપ પછી અહીંના લોકોએ ઘરની દીવાલ વચ્ચે એક જગ્યાએ ઈંટોનું લેયર હટાવીને લાકડા ગોઠવી દીધા હતા, જેના કારણે ભૂકંપ આવે ત્યારે તેની ધ્રુજારી આગળ જતા અટકી જાય અને ઘર પણ ધરાશાયી ના થઈ જાય.કચ્છમાં ૨૦૦૧માં આવેલા વિનાશકારી ભૂકંપે જે તબાહી મચાવી હતી, તેવો જ આજથી ૧૦૦૦ વર્ષ પહેલાં ૬થી ૬.૫ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ વડનગરમાં પણ આવ્યો હતો. અહીં પુરાતત્ત્વ વિભાગને અમરથોળ નજીક ખોદકામ વખતે જમીનથી ૧૪ મીટર નીચે અનેક તિરાડો મળી આવી હતી. આ તિરાડો મળતા જ પુરાતત્ત્વ વિભાગે ગાંધીનગરની ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચની મદદ લીધી હતી. પ્રાથમિક સરવેમાં સંશોધકોને જાણવા મળ્યું છે કે, વડનગરમાં ૧૦મી સદીમાં ૬.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હશે! જોકે, વિજ્ઞાનીઓની એક ટીમ આ દિશામાં વધુ ઊંડું સંશોધન ચાલુ કર્યું છે.