જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી દેખાય રહ્યું છે, ન્યૂયોર્કમાં પૂર જેવી સ્થિતિ
ન્યુયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શુક્રવારે વાવાઝોડાને પગલે ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે કહ્યું છે કે શહેરના કેટલાક ભાગોમાં આખી રાત અને પછી દિવસ દરમિયાન ભારે વરસાદ પડ્યો છે. સાથે જ વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે અને અનેક વાહનોને પણ નુકસાન થયું છે.
ન્યૂયોર્કમાં પૂરની કેટલીક ચોંકાવનારી તસવીરો સામે આવી છે. ન્યૂયોર્કમાં વરસાદને કારણે જનજીવન ઠપ થઇ ગયું છે. મેનહટ્ટનના પૂર્વીય હિસ્સા બેટ બની ગયા છે. સ્થિતિ એવી બની હતી કે ઘણા લોકો પોતાની કાર છોડીને જતા રહે છે. શહેરના કેટલાક લોકોનું કહેવું છે કે તેઓએ તેમના જીવનમાં આવા દ્રશ્ય ક્યારેય જોયા નથી. ન્યૂયોર્ક શહેરમાં વાવાઝોડા બાદ થયેલા વિનાશની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં સબવે સ્ટેશન અને ભોંયરામાં પાણી ભરાયા છે. તે જ સમયે, ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને, મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. રાતભરના ભારે વરસાદ બાદ લાગાર્ડિયા એરપોર્ટ પર પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે થોડા સમય માટે વિમાનોની અવરજવર રોકવી પડી હતી. પૂરના કારણે એરપોર્ટના ત્રણમાંથી એક ટર્મિનલ બંધ કરી દેવામાં આવ્યું છે.
ન્યૂયોર્ક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવાર રાત સુધી બ્રુકલિનના કેટલાક ભાગોમાં ૧૮.૪૧ સેમીથી વધુ વરસાદ પડ્યો છે. તે જ સમયે, સપ્ટેમ્બર મહિનામાં જાન એફ કેનેડી એરપોર્ટ વિસ્તારમાં ૨૧.૯૭ સેમી વરસાદે નવો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ ૧૯૬૦માં ભારે વરસાદ જોવા મળ્યો હતો. કેટલો વરસાદ પડ્યો છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે શહેરની લગભગ તમામ સબવે લાઇન આંશિક રીતે બંધ હતી જ્યારે કેટલાક માર્ગો પાણી ભરાવાને કારણે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. મેનહટનથી મેટ્રો-નોર્થ કોમ્યુટર રેલ સેવા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી પરંતુ સાંજ સુધીમાં ફરી શરૂ કરવામાં આવી હતી.