સિક્કિમમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ફફડયાં, કોઈ જાનહાનિ નહીં
છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં ભૂકંપના અહેવાલો મળી રહ્યા છે ત્યારે ભારતના મોટાભાગના રાજ્યોમાં હવે ધીમે ધીમે ભૂકંપની ઘટનાઓ વધતી જઈ રહી છે. સોમવારે વહેલી સવારે સિક્કિમના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. ભૂકંપની તીવ્રતા ૪.૩ નોંધાઈ હતી. જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના અહેવાલ અનુસાર સવારે ૪.૧૫ કલાકે આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર ઉત્તર-પૂર્વીય યુક્સોમમાં હતું. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી ૭૦ કિલોમીટરની ઉંડાઈએ હતું. આ પહેલા ગત રવિવારે આસામના કેટલાક ભાગોમાં પણ ચારની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આસામમાં પણ ભૂકંપથી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના અહેવાલ મુજબ, આંચકો સાંજે ૪.૧૮ કલાકે અનુભવાયો હતો અને તેનું કેન્દ્ર નગાંવ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીના દક્ષિણ કાંઠે હતું.