જો કોઈ મફત પાણીની વાત કરે તો તેનો વિશ્વાસ કરવો જોઈએ નહીંઃ ભાજપના નેતા
મધ્યપ્રદેશના રીવાથી સાંસદ જનાર્દન મિશ્રાએ એક વિચિત્ર નિવેદન આપ્યું છે.સાંસદ જનાર્દન મિશ્રાએ કહ્યું કે ‘દારૂ, ગાંજા, કોરેક્સ પીઓ કે પછી થિનર સોલ્યુશન સૂંઘો કે પછી આયોડેક્સ ખાઓ, કંઈ પણ કરો પણ પાણીની કિંમત સમજો.’ વાસ્તવમાં મધ્યપ્રદેશના સ્થાપના દિવસ પર રીવાના સાંસદ જનાર્દન મિશ્રા રીવાના કૃષ્ણ રાજ કપૂર ઓડિટોરિયમમાં જળ સંરક્ષણ અને સંવર્ધન પર વર્કશોપ દરમિયાન લોકોને સંબોધિત કરી રહ્યા હતા.
આ દરમિયાન મિશ્રાએ કહ્યું કે વીજળી બિલ માફ કરી શકાય છે, મફત રાશન પણ મળી શકે છે કારણ કે સરકારો ચૂંટણી સમયે મોટા મોટા વચનો આપતી હોય છે. પરંતુ જો કોઈ મફત પાણીની વાત કરે તો તેનો વિશ્વાસ કરવો જોઈએ નહીં, કારણ કે તે શક્ય નથી. આ સંદર્ભમાં જનાર્દન મિશ્રાએ એક ટિ્વટમાં જણાવ્યું હતું કે કૃષ્ણ રાજ કપૂર ઓડિટોરિયમ ખાતે પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘હર ઘર જલ’ જલ જીવન મિશન અંતર્ગત સામાન્ય લોકોને જળ સંરક્ષણ અને પાણીના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રીવાના કલેકટર પીએચઈ શરદ સિંહ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રીવાના સાંસદ જનાર્દન મિશ્રા અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. આની પહેલા પણ તેઓ અનેક વિચિત્ર નિવેદન આપીને વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે. તેઓ તેમના નિવેદનોને કારણે ખૂબ ચર્ચામાં રહે છે. મિશ્રાએ સ્વચ્છતા અંગે નિવેદન આપ્યું હતું કે સ્વચ્છતાના સાધનોનો ઉપયોગ કર્યા વિના હાથેથી શૌચાલય સાફ કરવાનું નિવેદન આપ્યું હતું. એટલું જ નહીં સાંસદ જનાર્દન મિશ્રાએ ભ્રષ્ટાચારના મામલામાં અધિકારીઓને જમીનમાં દાટી દેવાની વાત પણ કરી હતી. ત્યાર બાદ તેમને વિવાદોનો સામનો કરવો પડ્યો હતો.